રાજકોટ-સિકંદરાબાદ
એક્સપ્રેસ....આ શબ્દ સાંભળતા જ ન જાણે કેટલાય લોકોના ચહેરા પર હળવું સ્મિત આવી
જશે....આમ તો રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ એ એક ટ્રેનનું જ નામ છે પરંતુ આ નામ અને
આ ટ્રેન સાથે જોડાયેલી છે અનેક વ્યક્તિઓની યાદો...સારી યાદો..કડવી યાદો...ખાટી
મીઠી યાદો..રાજકોટથી વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નીકળતી અને અમદાવાદ સવારે 10
વાગ્યે પહોંચી મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગમાંથી થઈ આંધ્રપ્રદેશના
સિંકદરાબાદમાં બીજા દિવસે સવારે સાડા દસથી અગિયાર વાગ્યે પહોંચતી રાજકોટ-સિકંદરાબાદ
એક્સપ્રેસે અઢળક લોકોની કારકિર્દી શરૂ કરી...આ ટ્રેને જિંદગીની પહેલી નોકરી કરતા
ઘણા લોકોને ગુજરાતથી આંધ્ર પહોંચાડ્યા છે તો ઘણા લોકોની હૈદરાબાદના છેલ્લા દિવસની
અંતિમ ક્ષણોની સાથી બનવાનું સૌભાગ્ય પણ આ ટ્રેનને મળ્યું ..રાજકોટથી સિકંદરાબાદ
જતી વખતે લોકોની આશા અને અરમાનોને પણ આ ટ્રેને જોયા છે તો છ-આઠ મહિને મળતી 10થી 15
દિવસની રજાઓમાં ઘરના લોકોને મળવા અધીરા બનેલા ગિરમિટીયાઓની આઁખોમાં જોવા મળતો
ઉત્સાહ પણ આ ટ્રેન હજી ભૂલી નહિ હોય...
આ જ ટ્રેને રજાઓ
પૂર્ણ થયા બાદ ફરીથી એ લાગણીવિહીન બિલ્ડિંગો અને સસ્તા ભાડાના ફ્લેટમાં રંધાતી
કાચી પાકી રોટલીઓ ખાવાના ડરથી પરત ફરતા છૂટક મજૂરોની વેદનાને અનુભવી હશે... સ્લીપર
કોચની ટિકિટ લઈને મિત્રો સાથે ઘરે જતા કે સિકંદરાબાદ પાછા ફરતા મધ્યમવર્ગીય
પરિવારના વહાલસોયા લાડકાઓની બાદશાહી પણ આ ટ્રેને માણી હશે....સસ્તુ ભાડું અને
સિદ્ધપુરની જાત્રા જેવી રાજકોટ-સિકંદરાબાદની એ યાત્રા ખરા અર્થમાં કહીયે તો એ
ગિરમિટીયાઓ માટે ચાર ધામ કે હજની યાત્રાથી જરા પણ કમ ન હતી...વર્ષો સુધી આ નિર્જીવ
પણ ઘણું જોઈ ચુકેલી ટ્રેને અનેકને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હશે પરંતુ હવે
આ ટ્રેનને નહિ જોવા મળે એ ગિરમિટીયા...ટ્રેન તો હજુ પણ 1200થી 1500 લોકોને
સિકંદરાબાદથી રાજકોટ સુધી લઈ આવશે અને આટલા જ લોકોને લઈ જશે..પરંતુ હવે એ
ગિરમિટિયાઓનો પ્રેમ આ ટ્રેનને નહિ મળે....ખાખરા,થેપલા,અથાણા,પુરી,ચેવડો કે
સુકીભાજીની મહેંક તો આજે પણ આ ટ્રેનના નાક સુધી પહોંચે છે અને ભવિષ્યમાં પહોંચતી
રહેશે..પરંતુ એ મીડિયા મજૂરોના થેલામાંથી આવતી સોડમ હવે ક્યારેય ટ્રેન નહિ સુંઘી
શકે...
હજુ પણ એ મજૂરી
સ્થાનની વેબસાઈટોમાં રેલવેની વેબસાઈટ તો ખૂલશે પરંતુ એ વેબસાઈટમાં
સિકંદરાબાદ-રાજકોટ સર્ચ કરનારા નહિ મળે...1200થી 1300 કિલોમીટરનું એ અંતર અને 24
કલાકની એ મુસાફરી કોઈ વિમાન મુસાફરીથી જરા પણ ઉતરતી કક્ષાની ન હતી તે વાત આજે સૌ
છૂટક મજૂરો માની ચુક્યા છે...પણ કમનસીબે એ યાત્રા હવે જાણે એક યુગના અધ્યાયનો અંત
બની ગઈ છે...માણસની એક ફિતરત છે કે માનવીને પાસે હોય તે વ્યક્તિ કે વસ્તુંની કદર
નથી હોતી પરંતુ તેનાથી અલગ થયા બાદ તેનું મહત્વ માનવીને સમજાય
છે..રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસને લઈને પણ કેટલાક દાળભાતીયાઓ આવું જ માનતા
હતા.તત્કાલિન સમયે તેમના માટે આ ટ્રેન એક ટ્રેનથી વિશેષ ન હતી પરંતુ હવે એ દિવસો
ઈતિહાસ બની ગયા તો એ ટ્રેન પણ સુખદ સ્વપ્નની માફક દિમાગમાં લાઈટ કરવા લાગી..
આજે પણ ઘણાને
રાજકોટ-સિકંદરાબાદ ટ્રેન સ્વપ્નમાં આવે છે..આજે પણ એવું મહેસૂસ થાય છે કે કાલે
સવારે આ ટ્રેનમાં બેસી સિકંદરાબાદ જવાનું છે..આજે પણ એની ચિંતા થાય છે કે
રાજકોટ-સિકંદરાબાદમાં લીધેલી વેઈટિંગ લિસ્ટવાળી ટિકિટ કન્ફર્મ થાય તો સારુ...પણ
કમબખ્ત આ દિલને કોણ સમજાવે કે લાઈફને કન્ફર્મ કરવાના ચક્કરમાં રાજકોટ-સિકંદરાબાદની
ટિકિટ લેવાનું જ ભૂલાઈ ગયું છે..આજે પણ ઘણી વખત મન થાય છે કે એ કાલુપુર સ્ટેશને
સવારે સાડા નવ વાગ્યે પહોંચી જાઉં અને એસ-4 કે એસ 6 કે અન્ય કોઈ ડબ્બામાં બેસી
જાઉં..થોડીવાર પછી પાવો વાગશે..છોડવા આવેલા બાય કહેશે અને પાછળ છૂટી જશે આખી
દુનિયા..પણ ઉંઘ ઉડી જાય છે અને સામે દેખાય છે માત્ર ધુમ્મસ..ધ્યાનથી એ ધુમ્મસ તરફ
નજર કરી તો દેખાયું કે એ ગઈ આપણી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ...ગુડબાય
રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ...જિંદા રહે તો ફિર મિલેંગે...
.jpg)

