Thursday, 28 May 2015

સાત વર્ષમાં સાત ભવનું ભાથું


31 ઓક્ટોબર 1986થી લઈ 30 મે 2008 અને 31 મે 2008થી લઈ આજ સુધી. આ બે કાળખંડમાં વહેંચાયેલી છે મારી જિંદગી. બે કાળખંડ એટલા માટે કેમ કે, પહેલા કાળખંડમાં માત્ર હું જનમ્યો અને મોટો થયો.પરંતુ બીજા કાળખંડમાં હું ખરી રીતે જનમ્યો અને ખરા અર્થમાં મોટો થયો. હા, પહેલા કાળખંડ સુધીમાં શારીરિક રીતે તો હું સંપૂર્ણ વિકસી ચૂક્યો હતો. પણ જો માનસિક વિકાસની વાત કરીયે તો બેશકપણે આ લાભ મને મળ્યો જિંદગીના બીજા કાળખંડમાં.

કેટલાક દિવસો એવા હોય છે જે આપણા માટે સ્પેશિયલ હોય છે અથવા ભૂલવા છતા ભૂલી શકાતા નથી. આવો જ એક દિવસ મારે માટે છે 29 મે 2008નો એ દિવસ કે જ્યારે ધૂળિયા જસદણના ધૂળ ખાતા બસ સ્ટેશનથી રાજકોટ જતી બસમાં પગ માંડ્યો હતો. એ પગલા ખરેખર તો જસદણ-રાજકોટ લોકલ બસમાં મેં માંડ્યા ન હતા પરંતુ એક નવી જ જિંદગી અને નવી જ દુનિયામાં મારા પગલાં પડ્યાં હતા. એકના એક પુત્રને જાણે જંગમાં મોકલતા હોય તેવી રીતે માતા રડતી હતી,બહેન લાગણીશીલ થઈ ગઈ હતી,પિતાને દુખ તો ન હતું પરંતુ થોડી ચિંતા જરૂર હતી. હા, એ વાતનો આનંદ પણ ખરો કે જેને પોતે ખોટો હીરો ગણતા હતા તે હવે કમાવા લાગશે. હું પણ ખુશ હતો કે ચાલો એક દોજખભરી જિંદગીથી છૂટ્યો, હવે કદાચ સોનાનો સૂરજ ઉગશે.અને બીજી ખુશી એ પણ હતી કે હું માતા પિતાનું નામ રોશન કરી રહ્યો હતો. હવે હું નોકરી કરીશ, બે પૈસા કમાઈશ,ઘરની ભૂખ ભાંગીશ.એ લોકલ બસ છૂટી અને એ જ ક્ષણથી બદલાઈ મારી જિંદગી.


કાળખંડ નં 2

તારીખ -31 મે 2008
સમય - પોણા અગિયાર
સ્થળ  -સિકંદરાબાદ રેલવે સ્ટેશન

આજથી છ દાયકા પહેલા નીલ આર્મસ્ટ્રોંગ નામના એક બંદાએ પહેલી વખત જ્યારે ચંદ્ર પર પગ મૂક્યો હશે અને તેને જેવી લાગણી થઈ હશે કદાચ તેનાથી પણ વધુ આનંદીત હતો હું,કે જ્યારે મે સિકંદરાબાદની ભૂમિ પર પગ માંડ્યો. એ સાથે જ શરૂ થઈ ગયો મારી જિંદગીનો બીજો કાળખંડ. ઈ ટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કોપી એડિટર-રીપોર્ટરની 7 હજાર રૂપિયાની નોકરી કરવા હું પહોંચ્યો હતો સિકંદરાબાદમાં. એ હતી મારી લાઈફની પહેલી ઓફિશિયલ નોકરી. ભાંગેલા-તૂટેલા રોડ ધરાવતા જસદણથી સીધો હું પહોંચી ગયો હતો ટ્વિન સિટી હૈદરાબાદના સિકંદરાબાદની પહોળી સડકો પર. રસ્તાની બન્ને બાજુના વૃક્ષો જાણે મને આવકારી રહ્યા હતા. એ માત્ર મારી લાઈફની જ નહિ પરંતુ મારી સાથે આવેલા એક ડઝન કરતા પણ વધુ `નોકરી વાંચ્છુકો'ની લાઈફની પહેલી નોકરી હતી. કદાચ મોટાભાગના લોકોની મનની સ્થિતિ મારા જેવી જ હતી. કશી ખબર ન હોય કે ક્યાં જવાનું છે,શા માટે જવાનું છે, કોના માટે જવાનું છે અને ક્યારે પાછા આવવાનું છે. આવી હાલત હતી બધાની. કમસેકમ મારી તો એવી જ હાલત હતી.

જાણે કોરી પાટી જેવો હતો હું. પણ મને ક્યાં ખબર હતી કે એ પાટીમાં મરોડદાર અક્ષરો લખાશે, જિંદગીની કક્કો બારાક્ષરીની છાપ ઉપસી આવશે અને અનુભવોના નીચોડ સમાન એબીસીડી છપાશે. એ નોકરીના ત્રણ વર્ષ કેવા ગયા તેની વાત તો પછી ક્યારેક કરીશ. પણ એટલું જરૂર કહીશ કે એ નોકરીમાં મે માત્ર મેળવ્યું છે. ઘણું બધુ મેળવ્યું છે,ઘણું બધુ પામ્યો છું,ઘણી બધી સિદ્ધિ હાંસિલ કરી છે, ઘણા બધા કારસ્તાનો કર્યા છે,ઘણી બધી મસ્તીઓ કરી છે અને ઘણા બધા તોફાનો આદર્યા છે. તો સવાલ એ થાય કે ત્યા મેં ગુમાવ્યું શું? જવાબ છે કશું નહિ. હું ત્યા કશું લઈને જ ગયો ન હતો તો ગુમાવવાનું પણ મારે કશું ન હતું. હા એ જસદણિયો જૂનો અને અણધડ પરેશ જરૂર ત્યા મૂકીને આવ્યો. અને જ્યારે મારા દિલની એકદમ નજીક એવા એ શહેરને છેલ્લી સલામ ભરી ત્યારે ત્યાથી લઈને આવ્યો મસમોટું અનુભવોનું ભાથું, મિત્રોનો ભારે ભરખમ સંપુટ,એટીએમ કાર્ડમાં પાંચ-સાત હજાર રૂપિયા, બચતના નામે પીએફની રકમ અને એ શહેરની ક્યારેય ન ભૂલી શકાય તેવી મહેંક. 

એ શહેર અને એ નોકરીએ મને મારી જાત સાથે મળાવ્યો.કોરી પાટી જેવો થઈને ગયો હતો અને ભરેલી નોટબૂક જેવો થઈને પાછો ફર્યો. એ ત્રણ વર્ષ દરમિયાન કોઈએ મને જિંદગીના પાઠ શીખવ્યા તો કોઈએ પાઠ આપ્યો. કોઈએ જમવાનું બનાવતા શીખવ્યો તો કોઈએ જમતા. જીવનના પહેલા કાળખંડમાં હું એ દરેક ભારતીય યુવાન જેવો હતો જેને ખબર ન હતી કે શું કરવું છે, શું નથી કરવું, ક્યાં જવું છે અને ક્યાં નથી જવું. પણ જિંદગીના એ બીજા કાળખંડમાં મારા જીવનની દિશા નક્કી થઈ ગઈ હતી. આત્મવિશ્વાસ વિહોણો હું આત્મવિશ્વાસથી તરબતર થઈ ગયો હતો. `હું કંઈક છું' એવો અહેસાસ મને એ ઈટીવી ગુજરાતી ન્યૂઝની નોકરીએ અપાવ્યો હતો.

ક્યારેક વિચાર આવે છે કે જો એ નોકરી મને ન મળી હોત તો હું આજે ક્યાં હોત? બની શકે કે કદાચ હાલની જિંદગી છે તેના કરતા જિંદગી વધુ બહેતર હોત. કદાચ ખરાબ પણ હોત.પરંતુ અનુભવોનું જે ભાથું મને એ ત્રણ વર્ષ દરમિયાન મળ્યું તે હું ત્રીસ વર્ષ સુધી પણ મેળવી શક્યો ન હોત.પહેલી નોકરી અને પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો નથી.એ વાત મારા કિસ્સામાં પણ સાચી પડી.ઈ ટીવી એક રીતે કહીયે તો મીડિયાની પાઠશાળા હતી.જ્યાં રોજ નવા નવા `ફાલ' આવતા અને સમાચારોની દુનિયાની સમજણ મેળવતા. એ પાઠશાળામાં હું મન મૂકીને ભણ્યો,ગણ્યો,ફૂલ્યો,ફાલ્યો,પડ્યો,ઉભો થયો,નાચ્યો,કૂદયો,હરખાયો,ઉદાસ થયો,એકલતા અનુભવ્યો,કોઈનો `ખાસ' થયો,કોઈને `ખાસ' બનાવી શક્યો. ત્રણ વર્ષના અભ્યાસ પછી એ પાઠશાળામાંથી બહાર નીકળ્યો ત્યારે પાસ થયો હતો કે ફેઈલ એ તો સાબિત કરવા કદાચ અડધી જિંદગી જતી રહેશે.ભલે એ ત્રણ વર્ષના શૈક્ષણિક પાઠ્યક્રમનું પરિણામ સ્પષ્ટપણે ન કહી શકું પરંતુ પરીક્ષા તો સારી રહી એ વાત છાતી ઠોકીને કહી શકું.

(ઈન્ટરવલ)

( ટીવી 9નો ઉલ્લેખ ન કરવાનું વિચાર્યુ હતું પણ પછી થયું કે સાત વર્ષના લેખાંજોખાંને અક્ષરોમાં ઉતારવા બેઠો છું તો શક્ય એટલું છૂટવું ન જોઈએ. એટલે ટીવી 9ની વાત પણ આ કૌંસમાં કરી દઉં છું.નિખાલસપણે કહું તો એ ત્રણ મહિનાનો સમય મારા માટે દુખદાયી રહ્યો.એ સમય દરમિયાન હોમ સીકનેસથી પીડાવાના કારણે હું બેચેન રહેવા લાગ્યો હતો,ખાવા પીવાનું ભૂલી ગયો હતો.લગભગ નાસીપાસ થઈ ગયો હતો.સ્થિતિ એટલી વિકટ હતી કે મારે મનોચિકિત્સકની મુલાકાત પણ લેવી પડી હતી અને તેણે આપેલા ટીકડા પણ ખાવા પડ્યા હતા.અંતે ડીપ્રેશનમાંથી નીકળવા કોઈ વિકલ્પ ન રહેતા મારે ટીવી 9 ને રામ રામ કરવાં પડ્યાં.નિખાલસપણે કહું તો ખરેખર હું પરિસ્થિતિથી ભાગી ગયો હતો.એ વાતનું દુખ આજે પણ મને છે.પણ ભવિષ્યમાં ફરી ટીવી 9 માં કામ કરવાની તક મળી તો એ `વેરની વસૂલાત' હું જરૂર કરીશ.) 

કાળખંડ નં 2 પાર્ટ 2

જિંદગીના બીજા કાળખંડનો પહેલો ભાગ મારી જિંદગીનો સુવર્ણ કાળ સાબિત થયો તો બીજો ભાગ પ્લેટિનમ કાળ. ઈ ટીવીએ મારી મુલાકાત મારા અંદરના વ્યક્તિ સાથે કરાવી તો વીટીવીએ એ વ્યક્તિને મઠાર્યો અને ઘડ્યો. ખરી વિચારશક્તિ ખીલવી વીટીવીએ. સારા નરસાનું ભાન ઈ ટીવીએ કરાવ્યું તો સારાને નરસા કેવી રીતે કરવા અને નરસાને સારા કેવી રીતે કરવા તેનું જ્ઞાન હું પામ્યો વીટીવીમાં. ઈ ટીવીમાં હું ટાઈપિંગ શીખ્યો તો વીટીવીમાં લખતા. ઈ ટીવીએ સમાચારોની પૂર્વ ભૂમિકા બાંધી આપી તો વીટીવીએ સમાચારોની મધ્યભૂમિકા સુધી મને પહોંચાડ્યો. આજે પણ જ્યારે એકલો હોઉં છું ત્યારે થાય છે કે જે `છૂટ' મને વીટીવીમાં મળી તે ન મળી હોત તો હું માત્ર નોકરી કરવાના ઈરાદે `8 કલાકની શિફ્ટ પૂરી કરવા' ઓફિસે જતો બંદો બનીને રહી ગયો હોત. ભલે અનાયાસે વીટીવીએ મને એ `ન આપવા જેવી' છૂટ આપી દીધી, પરંતુ એ છૂટનો મનભરીને,મનફાવે તેમ ઉપયોગ મેં કર્યો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એ ન્યાયે વીટીવીમાં હું `એરંડો' પૂરવાર થવા મથ્યો.લખાણના ઘણા ગેરલાભનો વિકૃત કહી શકાય તેવો `સાહિત્યિક આનંદ' પણ મેં લીધો.

સમય વીતતો ગયો.ઘણું સમજાતું ગયું,ઘણું સમજી લીધું,ઘણું સમજી રહ્યો છું,આશા છે કે અંતે જ્યારે હિસાબ કિતાબ કરીશ ત્યારે સમજાવા પૂરતું સમજાઈ ગયું હશે. જો નહિ સમજાય તો મારા નસીબ. સામાન્ય રીતે સ્વતંત્ર લખાણ લખતી વખતે મેં અત્યાર સુધી કોઈ સંસ્થા કે વ્યક્તિનો સીધો ઉલ્લેખ ટાળ્યો છે. પરંતુ આજે ઈ ટીવી અને વી ટીવી એવો નામજોગ ઉલ્લેખ કરવાનું મેં અગાઉથી નક્કી કરી લીધું હતું. અરે,જેના થકી તમે હોવ એનું નામ ન લઈ શકો તો ઘૂળ પડી તમારા જીવતરમાં. શારીરિક વિકાસ એ આંખોથી જોઈ શકાય તેવો વિકાસ છે.પણ માનસિક વિકાસ તો માત્ર અનુભવી શકાય. એ આટલા વર્ષોની તપસ્યા બાદ હું અનુભવી શકું છું.એ વૈચારિક સ્થિતિમાં પહોંચી જવું કે જ્યાં તમામ પ્રશ્નો તમને `લઘુ' લાગવા લાગે,તમામ સમસ્યાનો ઉકેલ જાણે હાથવેંતમાં હોય તેવો ભાસ થવા લાગે,જાણે બધુ પામી ગયા હોઈએ એવી ભ્રાંતિ થવા લાગે.આ તમામ મનોસ્થિતિને હું ફિલ કરી શકું છું અત્યારે. થોડું વધુ પડતું તમને લાગશે પરંતુ હા, હું આજે એવું અનુભવી શકું છું. નિખાલસપણે ન કહેવાની વાત કોઈને કહી શકું છું,ખોટી વાત કોઈને ગળે ઉતારી શકું છું.બૌદ્ધિક હોવાનો ડોળ કરી શકું છું.દંભી હોવા છતા,લોભ હોવા છતા,ક્રોધ અપરંપાર હોવા છતા,મોહ છૂટકો ન હોવા છતા,`ઘણા'ની,`ઘણી'ની ઈર્ષા થતી હોવા છતા સ્થિતિપ્રજ્ઞ હોવાનો દેખાડો હું કરી શકું છું.

ક્યારેક તો એવું પણ લાગે છે કે હું 28 વર્ષનો છું કે 58નો. આટલું સમજણું થઈ જવું પણ સારું નથી. ક્યારેક અણસમજું હોવામાં જ લાભ છે. પણ એવા ધંધામાં છું કે જેમાં અણસમજુ રહી શકાતું નથી. સમજું બનવું આસાન નથી. અને ન સમજાયું હોવા છતા સમજાઈ ગયાનો ડોળ કરવું છૂટતું નથી. બૌદ્ધિકોનું કહેવું છે કે વાંચવાથી પરિપકવતા આવે. પણ મને અનુભવે સમજાયું છે કે લખવાથી પણ પરિપકવતા આવે. વી ટીવીની છેલ્લા પોણા ચાર વર્ષની નોકરીમાં લખી લખીને હું પાકટ થયો. જ્યારે પાછળ વળીને જોઉં છું કે આ સાત વર્ષમાં અંગત રીતે મેં શું મેળવ્યું.. તો યાદી ઘણી લાંબી થાય છે..અને જો શું ગુમાવ્યું તેની યાદી બનાવું તો પણ યાદી ઘણી લાંબી થાય છે. જો કે, મારે મન આ સાત વર્ષમાં મેં અંગત રીતે કોઈને ગુમાવ્યો હોય તો તે છે એક પુત્ર હોવાની ફરજ મેં ગુમાવી.હું 7 હજારમાંથી 30 હજાર કમાતો થયો, પણ ત્રણ રૂપિયાનુંય સુખ માતાપિતાને ન આપી શક્યો. દંભી બૌદ્ધિક બન્યો તો ઘરે મૂક બની ગયો.જાણે ઘરના લોકો મને તુચ્છ લાગવા માંડ્યા. હા, હું એ સ્તરે નથી પહોંચ્યો કે જ્યાં મારે આવું કરવું જોઈએ, પણ આવું અનાયાસે થતું ગયું.ન બોલવામાં નવ ગુણની યુક્તિ અપનાવી બુદ્ધિશાળી હોવાનો ડોળ કરતા કરતા ક્યારે ખરેખર મેં પારિવારિક વાચા ગુમાવી તેનું ભાન મને ન રહ્યું. હા, હજુ મોડું નથી થયું પણ ઘણું છૂટી જરૂર ગયું છે. પ્રયાસ છે એ સ્થિતિને સુધારવાનો. અને છેલ્લે જો વાત સાત વર્ષમાં કંઈક મેળવવાની કરું તો આ સાત વર્ષમાં મેં મેળવ્યું `સાત ભવનું ભાથું' બંધાય એવા અનુભવો,એવી પાકટતા,એવી બૌદ્ધિક ક્ષમતા, એવા મિત્રો,એવા સહકર્મીઓ,એવા સીનિયર,એવા જૂનિયર અને......ચલો છોડો,એ વાત પછી ક્યારેક.

(થોડી ઘણી ભાષાકીય ભૂલ માટે હે જાણકાર મિત્રો,ક્ષમા પ્રાર્થુ છું)

Friday, 10 April 2015

રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ બાય બાય

રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ....આ શબ્દ સાંભળતા જ ન જાણે કેટલાય લોકોના ચહેરા પર હળવું સ્મિત આવી જશે....આમ તો રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ એ એક ટ્રેનનું જ નામ છે પરંતુ આ નામ અને આ ટ્રેન સાથે જોડાયેલી છે અનેક વ્યક્તિઓની યાદો...સારી યાદો..કડવી યાદો...ખાટી મીઠી યાદો..રાજકોટથી વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નીકળતી અને અમદાવાદ સવારે 10 વાગ્યે પહોંચી મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગમાંથી થઈ આંધ્રપ્રદેશના સિંકદરાબાદમાં બીજા દિવસે સવારે સાડા દસથી અગિયાર વાગ્યે પહોંચતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસે અઢળક લોકોની કારકિર્દી શરૂ કરી...આ ટ્રેને જિંદગીની પહેલી નોકરી કરતા ઘણા લોકોને ગુજરાતથી આંધ્ર પહોંચાડ્યા છે તો ઘણા લોકોની હૈદરાબાદના છેલ્લા દિવસની અંતિમ ક્ષણોની સાથી બનવાનું સૌભાગ્ય પણ આ ટ્રેનને મળ્યું ..રાજકોટથી સિકંદરાબાદ જતી વખતે લોકોની આશા અને અરમાનોને પણ આ ટ્રેને જોયા છે તો છ-આઠ મહિને મળતી 10થી 15 દિવસની રજાઓમાં ઘરના લોકોને મળવા અધીરા બનેલા ગિરમિટીયાઓની આઁખોમાં જોવા મળતો ઉત્સાહ પણ આ ટ્રેન હજી ભૂલી નહિ હોય...
આ જ ટ્રેને રજાઓ પૂર્ણ થયા બાદ ફરીથી એ લાગણીવિહીન બિલ્ડિંગો અને સસ્તા ભાડાના ફ્લેટમાં રંધાતી કાચી પાકી રોટલીઓ ખાવાના ડરથી પરત ફરતા છૂટક મજૂરોની વેદનાને અનુભવી હશે... સ્લીપર કોચની ટિકિટ લઈને મિત્રો સાથે ઘરે જતા કે સિકંદરાબાદ પાછા ફરતા મધ્યમવર્ગીય પરિવારના વહાલસોયા લાડકાઓની બાદશાહી પણ આ ટ્રેને માણી હશે....સસ્તુ ભાડું અને સિદ્ધપુરની જાત્રા જેવી રાજકોટ-સિકંદરાબાદની એ યાત્રા ખરા અર્થમાં કહીયે તો એ ગિરમિટીયાઓ માટે ચાર ધામ કે હજની યાત્રાથી જરા પણ કમ ન હતી...વર્ષો સુધી આ નિર્જીવ પણ ઘણું જોઈ ચુકેલી ટ્રેને અનેકને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હશે પરંતુ હવે આ ટ્રેનને નહિ જોવા મળે એ ગિરમિટીયા...ટ્રેન તો હજુ પણ 1200થી 1500 લોકોને સિકંદરાબાદથી રાજકોટ સુધી લઈ આવશે અને આટલા જ લોકોને લઈ જશે..પરંતુ હવે એ ગિરમિટિયાઓનો પ્રેમ આ ટ્રેનને નહિ મળે....ખાખરા,થેપલા,અથાણા,પુરી,ચેવડો કે સુકીભાજીની મહેંક તો આજે પણ આ ટ્રેનના નાક સુધી પહોંચે છે અને ભવિષ્યમાં પહોંચતી રહેશે..પરંતુ એ મીડિયા મજૂરોના થેલામાંથી આવતી સોડમ હવે ક્યારેય ટ્રેન નહિ સુંઘી શકે...

હજુ પણ એ મજૂરી સ્થાનની વેબસાઈટોમાં રેલવેની વેબસાઈટ તો ખૂલશે પરંતુ એ વેબસાઈટમાં સિકંદરાબાદ-રાજકોટ સર્ચ કરનારા નહિ મળે...1200થી 1300 કિલોમીટરનું એ અંતર અને 24 કલાકની એ મુસાફરી કોઈ વિમાન મુસાફરીથી જરા પણ ઉતરતી કક્ષાની ન હતી તે વાત આજે સૌ છૂટક મજૂરો માની ચુક્યા છે...પણ કમનસીબે એ યાત્રા હવે જાણે એક યુગના અધ્યાયનો અંત બની ગઈ છે...માણસની એક ફિતરત છે કે માનવીને પાસે હોય તે વ્યક્તિ કે વસ્તુંની કદર નથી હોતી પરંતુ તેનાથી અલગ થયા બાદ તેનું મહત્વ માનવીને સમજાય છે..રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસને લઈને પણ કેટલાક દાળભાતીયાઓ આવું જ માનતા હતા.તત્કાલિન સમયે તેમના માટે આ ટ્રેન એક ટ્રેનથી વિશેષ ન હતી પરંતુ હવે એ દિવસો ઈતિહાસ બની ગયા તો એ ટ્રેન પણ સુખદ સ્વપ્નની માફક દિમાગમાં લાઈટ કરવા લાગી..


આજે પણ ઘણાને રાજકોટ-સિકંદરાબાદ ટ્રેન સ્વપ્નમાં આવે છે..આજે પણ એવું મહેસૂસ થાય છે કે કાલે સવારે આ ટ્રેનમાં બેસી સિકંદરાબાદ જવાનું છે..આજે પણ એની ચિંતા થાય છે કે રાજકોટ-સિકંદરાબાદમાં લીધેલી વેઈટિંગ લિસ્ટવાળી ટિકિટ કન્ફર્મ થાય તો સારુ...પણ કમબખ્ત આ દિલને કોણ સમજાવે કે લાઈફને કન્ફર્મ કરવાના ચક્કરમાં રાજકોટ-સિકંદરાબાદની ટિકિટ લેવાનું જ ભૂલાઈ ગયું છે..આજે પણ ઘણી વખત મન થાય છે કે એ કાલુપુર સ્ટેશને સવારે સાડા નવ વાગ્યે પહોંચી જાઉં અને એસ-4 કે એસ 6 કે અન્ય કોઈ ડબ્બામાં બેસી જાઉં..થોડીવાર પછી પાવો વાગશે..છોડવા આવેલા બાય કહેશે અને પાછળ છૂટી જશે આખી દુનિયા..પણ ઉંઘ ઉડી જાય છે અને સામે દેખાય છે માત્ર ધુમ્મસ..ધ્યાનથી એ ધુમ્મસ તરફ નજર કરી તો દેખાયું કે એ ગઈ આપણી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ...ગુડબાય રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ...જિંદા રહે તો ફિર મિલેંગે...

Wednesday, 1 April 2015

તોરા ગોરા અંગ દઈ દે...ગોરી ચામડીનો મોહ રાખવો તેમાં ખોટું શું ?



શું ખરેખર ભારતીયો ગોરી ચામડી પાછળ ઘેલા છે ?.ભાજપના નેતા ગિરિરાજ સિંહે એક વિવાદીત નિવેદન કરીને આ ચર્ચાને ફરી જન્મ આપ્યો છે.ગિરિરાજ સિંહે કહ્યું કે જો રાજીવ ગાંધીએ કોઈ નાઈજીરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત અને તેમની વાઈફ (સોનિયા ગાંધી)નો વર્ણ ગોરો ન હોત તો શું કૉંગ્રેસના નેતાઓ એ વાઈફના નેતૃત્વમાં કામ કરવા તૈયાર થાત.વાત વિચારવા જેવી ખરી.ગિરિરાજ સિંહે ભલે વિવાદ વધ્યા બાદ પોતાના નિવેદન પર માફી માગી લીધી હોય પરંતુ તેમની વાતમાં તથ્ય તો રહેલું છે જ.આપણે સોનિયા ગાંધીની વાત જવા દઈએ અને ભારતીય માનસિકતાના મુદ્દા પર આવીયે તો બેશકપણે આપણે સૌએ સ્વીકારવું પડશે કે હા,અમને ગોરી ચામડી વધુ ગમે છે.દરેક પુરુષ એવું ઈચ્છે છે કે તેની પત્ની ગોરી હોવી જોઈએ અને દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો ભરથાર ગોરો એટલે કે હેન્ડસમ હોવો જોઈએ.( મળે ન મળે એ નસીબની વાત) જો કે, પોતાના જીવનસાથીની પસંદગી માટે ગોરી ચામડીની પ્રાયોરિટી રાખવી એ કોઈ ગુનો નથી.

જ્યારથી ભારતમાં સમાજ જીવનની શરૂઆત થઈ છે ત્યારથી ગૌર વર્ણ પ્રત્યે આસક્તિ જોવા મળી છે.તમે રામાયણ લઈ લો કે મહાભારત લઈ લો.મહાકવિ કાલિદાસનું કોઈ પણ સાહિત્ય લઈ લો.દરેકમાં જ્યારે જ્યારે પણ સ્ત્રીની સુંદરતાના વર્ણનની વાત આવી છે ત્યારે ત્યારે કવિઓ કહી ગયા છે કે દ્રોપદી,સીતા કે પાર્વતી અતિ સુંદર હતી.અને અતિ સુંદર એટલે ગોરી.માથાથી પગના નખ સુધી ગોરી.જરા દિલ મજબૂત કરીને વિચારો કે જો સીતા ગોરા ન હોત તો રામને ગમ્યા હોત ખરા ? પાર્વતી ગોરા ન હોત તો શિવજીએ તેમને ભાવ પણ આપ્યો ન હોત કે દ્રૌપદી ગોરા ન હોત તો પાંચ પાંડવોએ તો શું,ભીમ જેવા કદ્દાવર પુરુષે પણ દ્રૌપદીને વરમાળા પહેરાવી ન હોત.રૂપાળા રંગ પ્રત્યેની આવી ગાંડી ઘેલછા સમયાંતરે વધુ પ્રબળ બની.

ઘણા એવું કહેશે કે હવે આવું નથી રહ્યું.હવે તો શ્યામ વર્ણની સ્ત્રીઓ સાથે પણ લોકો પ્રેમ કરે છે અને લગ્ન પણ કરે છે.આવા લોકોની વાત સાચી છે પરંતુ આવા દાખલા કેટલા ?..માત્ર આંગળીના વેઢે ગણાય એટલા.શ્વેત વર્ણ પ્રત્યેનો પ્રેમ અને શ્યામ વર્ણ પ્રત્યેની સૂગ હોવા પાછળ પણ આપણો સમાજ જ જવાબદાર છે.કેમ કે આપણે ત્યા કાળા રંગને અશુભ માનવામાં આવે છે.કાળા કલરના કપડા લેતી વખતે પણ લોકો સો વખત વિચાર કરે છે.લગ્ન પ્રસંગોએ તો લોકો કાળા કલરના કપડા પહેરતા જ નથી.બની શકે કે કાળા વર્ણને લઈ વ્યાપ્ત સૂગ પાછળ આ કારણ પણ જવાબદાર હોય.મૂળ મુદ્દા પર પાછા ફરીયે તો મુખ્ય સવાલ એ છે કે વ્હાઈટ ચામડી પ્રત્યે મોહ હોવામાં ખોટું શું છે.ખુદ કૃષ્ણ ભગવાનને પણ એ વાત ગમતી ન હતી કે રાધા ક્યૂં ગોરી મેં ક્યૂં કાલા.દરેકને ખબર છે જ કે ગોરા રંગ પર ગુમાન કરવા જેવું નથી કેમ કે ગોરો રંગ બે દિવસમાં ઢળી જ જવાનો છે.છતા ગોરા રંગ પ્રત્યેની આશિકી આ દુનિયા રહેશે ત્યા સુધી યથાવત રહેશે.ગોરી ચામડી પ્રત્યે ભારતીયોના ગાંડપણનું વર્ણન હાલમાં જ આવેલી ફિલ્મ દમ લગા કે હૈસાના એક ગીતમાં સુંદર રીતે કરવામાં આવ્યું.

સુંદર સુશીલ થોડી સ્પેશિયલ ઢૂંઢેંગે..નોટ ટેમ્પરરી,પરમેનેન્ટ ઢૂંઢેંગે....
તા ના ના ના ના ના ના ના......................................

Tuesday, 24 February 2015

તુમકો હમારી ઉંમર લગ જાયે

                  શું દરેક વખતે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન એવું હોય?શું દરેક વખતે આંખો જે જોવે તે સાચું જ હોય? જી નહિ...આવું ન પણ હોય...જો આવું જ હોત તો મારા જીવનમાં એક વ્યક્તિનું મહત્વ આજે જેટલું છે એટલું ન હોત..આ એવી વ્યક્તિ છે જેને પહેલી નજરે જોઈ ત્યારે એવું કયારેય લાગ્યું ન હતું  કે આ વ્યક્તિ આગળ જતા મારા સુખદુખનો સાથી બનશે..મારી સમસ્યાઓનો ઉકલ બનશે..મારી મનોવ્યથાને સાંભળનારા કાન બનશે અને મારી આર્થિક તકલીફો દૂર કરનારી `વર્લ્ડબેંક' બનશે.. 

આપણા મોબાઈલમાં 100થી લઈ 500 વ્યક્તિઓના નંબર સેવ કરેલા હોય છે પરંતુ જ્યારે આપણું મન વ્યગ્ર હોય..થોડી ચિંતા હોય..આગળ જવાનો રસ્તો સૂઝતો ન હોય..કોઈ નિર્ણય સુધી મગજ પહોંચતું ન હોય..હ્રદયે `સૉરી' બોલીને સમસ્યાનો ઉકલ આપવાની ના પાડી દીધી હોય..મારુ માનવું છે કે આવા સમયે મોબાઈલમાં સેવ કરેલા 100થી 500 નંબરોમાંથી જે નંબર ડાયલ કરી તે નંબરના કર્તા હર્તા સમાહર્તા સાથે બે ઘડી દિલની વાત કહેવાનું મન થાય તે આપણો ખરો સ્વજન. 

મારી સદનસીબી છે કે વિકટ સમયે કોનો નંબર ડાયલ કરવો તેની મથામણ મારે નથી રહેતી..કેમ કે આવા એક નહિ પરંતુ અનેક નંબર છે જે નંબર હું કશું પણ વિચાર્યા વિના ડાયલ કરી શકું છું.મતલબ મારે સ્વજનોની કમી નથી..પરંતુ આજે જેની વાત મારે કરવાની કરવાની છે અને જેનું નામ લખ્યા પહેલા જેના માટે મે આટલી લાંબી લચક પ્રસ્તાવના બાંધી છે તેનું સ્થાન મારા દિલમાં અનોખું છે.ભદ્રંભદ્ર ગુજરાતી લખી રહ્યો છું, પરંતુ આ વ્યક્તિ માટે કોઈ પણ ભાષામાં લખત તો કદાચ શબ્દો અલગ હોત પરંતુ મારા કહેવાનો,મારા લખવાનો ભાવાર્થ કંઈક આવો જ હોત... 

આ વ્યક્તિ કોઈ મહામાનવ નથી..ના તો સદગુણોનો ભંડાર છે..તે એક સામાન્ય માનવી છે,મારા તમારા જેવો જ આમ આદમી...તેનામાં પણ માનવીય દુર્ગુણો છે.પણ છતા તે મારો ખરો સ્વજન છે..મહત્વની વાત એ છે કે પહેલાથી આ જન એટલે કે માણસ મને સ્વજન નહોતો લાગ્યો...આ વાત છે આજથી સાડા છ વર્ષ પહેલાની...મહિનો હતો જૂન અને હું ન ભૂલતો હોવું તો તારીખ હતી 1લી .સ્થળ હતું મારા દિલની સૌથી નજીક જેનું સ્થાન છે તેવું હૈદરાબાદ.. 

લાઈફની પહેલી ઓફિશિયલ જોબનો પહેલો ઓફિશિયલ દિવસ હતો..આંખોમાં અનારાધાર વરસતા સ્વપ્નો હતા અને દિમાગમાં કંઈક કરી દેખાડવાની તત્પરતા..સાથે જોબ શરૂ કરનારા દોસ્તો ખરા અર્થમાં દોસ્તો ન હતા પરંતુ ભવિષ્યમાં બનનારા હરિફો હતા..કોનો વિશ્વાસ કરવો અને કોની સાથે દોસ્તી કરવી તેની મથામણ હતી...ગુજરાતી માધ્યમમાં ભણેલા નિમ્ન મધ્યમવર્ગના મારા જેવા દિશાવિહિન યુવાન માટે એ દિવસ પણ ખરો ગજબનો હતો.ભવિષ્યમાં જેમની સાથે સંબંધો સુમેળભર્યા બનવાના હતા તે તમામ લોકો એ જ દિવસે મળ્યા..તેમાંનો એક એટલે મારો ભાઈબંધ..મારો સખો..મારો દોસ્ત..મારો મિત્ર..મારો ફ્રેન્ડ..અને મારો ગાઈડ.. 

લોકોને પહેલી દ્રષ્ટિનો પહેલો પ્રેમ થઈ જાય તેવી ફીલિંગ તો મારી ન હતી ઉલટાનું તેને પહેલી વખત જોયા બાદ મારા સર્કલમાં તેની મજાક ઉડાડવાનો ચાન્સ મે છોડ્યો ન હતો.લાંબા અને ઢંગધડા વિનાના વાળ,અસ્તવ્યસ્ત કપડા,વર્તનમાં પાકટતાનો અભાવ અને વાણીમાં ઉત્તર ગુજરાતી ટચ..સમય આગળ વધતો ગયો..અજાણ્યા જાણીતા બનતા ગયા..જાણીતા બનેલા દોસ્ત થઈ ગયા..અને દોસ્ત બની ગયેલા જિગરી બની ગયા..પરંતુ એ વ્યક્તિ વિશે મારા મનમાં પહેલી વખત મળ્યાની છાપ ન ભૂસાઈ.. 

ત્રણ વર્ષના એ `શ્રમિક કાર્ય' દરમિયાન ઘણી વખત મળ્યા.શિફ્ટ પર શિફ્ટ કામ કર્યુ..ક્રિકેટ મેચ પર ચિઠ્ઠીઓ ઉડાવી...ચાની ચુસકીઓ લીધી...છોકરીઓ પર સાથે મળી કોમેન્ટ કરી અને ફેન્ટસી માણી...પણ ત્યારે કયારેય એવું ન લાગ્યું કે આ વ્યક્તિ મારી જિંદગીનો એક મહત્વનો ભાગ બનશે..કદાચ હૈદરાબાદ શહેરના નસીબમાં ન હતું મારી અને તેની દોસ્તીનો લહાવો માણવાનું..અમારી દોસ્તીને નાના ખાબોચિયામાંથી મહાસાગર બનતા જોવાનું સૌભાગ્ય લખ્યું હતું ગાંધીના ગુજરાતમાં આવેલી સાબરમતીના કિનારે વસેલા અમદાવાદ શહેરના... 

હૈદરાબાદ છોડી અમદાવાદ આવવાનું થયું..ઘણું છૂટી ગયું..ઘણું છોડીને આવ્યો..નવું શહેર હતું...નવી શરૂઆત હતી..થોડી તકલીફો પડી..થોડી નિરાશા સાંપડી..ખબર નહિ કેમ પરંતુ મને આજે પણ એવું લાગે છે કે અમારા કાચા સંબંધોને પાક્કા બાંધકામ જેવા મજબૂત બનાવવા માટે કદાચ તે જ સમયગાળા દરમિયાન ઈશ્વરે એ વ્યક્તિની મનોવ્યથા પણ કંઈ મારા જેવી જ કરી..અને આમ પણ કહેવાય કહેવાય છે ને કે કોણ તમારી સાથે છે અને કોણ તમારી સામે છે તેની ખરી ખબર સંકટ સમયે જ થાય છે....મારી અને તેની સાથે છે એવું જ થયું..બન્ને સમદુખિયા ભેગા થયા..દુખ હળવું થવા લાગ્યું..અને દિલ, દોસ્તીની શરૂઆતના સુવર્ણકાળથી ભરાવા લાગ્યું...વિચારો મળતા ગયા..દિલ જોડાતા ગયા..શબ્દોનો મેળ પડતો ગયો...ખબર પણ ન પડી કે કયારે તે વ્યક્તિ મારો હમદર્દ બની ગયો.. 

એક તરફ હતો હું...આખા ગામને સલાહો,સૂચનો કરનારો,ફિલોસોફીના લેકચરો આપનારો,સાચા ખોટાનો ભેદ પારખવાનો દાવો કરનારો, અહંનો પર્યાય બનનારો અને `હું કાંઈક છું, એવી કલ્પનાઓમાં રાચનારો `હું' ..અને બીજી તરફ હતો પોતાની મસ્તીમાં જીવનારો...મારી સામે પોતાની જિંદગીની કિતાબ ખુલ્લી મુકી દેનારો...ગંભીરતાનું નામોનિશાન નહિ રાખનારો તે એટલે કે મારો જિગરી...અમે મળ્યા..ખૂબ વાતો કરી..સાથે ખૂબ ફર્યા..સાથે જમ્યા..ચાય પે ચર્ચાઓ કરી...ક્રિકેટની વાતોના વડા કર્યા...ભવિષ્યની રૂપરેખાઓ ઘડી...અન્યોની ટીકા અને અન્યો પર કટાક્ષ કર્યા...સિસ્ટમને વખોડી...છોકરીઓને વખાણી...આવું ઘણું કર્યુ...અને આગળ પણ કરતા રહીશું.. 

મને દેવા માટે તેની પાસે બધું જ હતું..આર્થિક મદદ તો તેણે એટલી કરી કરી કે આજે સગો ભાઈ ન કરે...માનસિક મદદ માટે તો તે હમેંશા તૈયાર જ હોય છે...મને દેવા માટે તેની પાસે બધુ જ હતું..પરંતુ તેને દેવા માટે મારી પાસે?  ન તો પહેલા મેં તેને કંઈ આપ્યું હતું ન ભવિષ્યમાં આપી શકવાની સમર્થતા મારામાં છે...કદાચ આપી શકું તેવી સ્થિતિમાં આવી પણ જઉં..પરંતુ તેના જેટલી મદદ તો મને લાગતું નથી કે હું કરી શકીશ...વર્ષો પહેલા મહાન ગીતકાર હસરત જયપુરીએ એક ફિલ્મ માટે જે શબ્દો લખ્યા હતા તે શબ્દો થકી હું થોડો પ્રયાસ જરૂર કરી શકું તેના પ્રત્યેની મારી લાગણીઓને રજૂ કરવાનો... 

તુમ્હે ઔર કયાં દૂં મે દિલ કે સિવાં 
તુમકો હમારી ઉંમર લગ જાય.... 

આટલું લખ્યા છતા તેના નામનો આછો પાતળો ઉલ્લેખ પણ મેં કયાંય કર્યો નથી..અરે, તેનું નામ લખવાની જરૂર પણ નથી..કેમ કે આટલું વાંચ્યા પછી મારી અને  તેની દોસ્તી વિશે જાણનારા લોકોને ખબર જ પડી ગઈ હશે કે મેં જેનું નામ લખ્યા વિના આટલી `મેરેથોન કથા' કરી છે છતા કહ્યા વિના નથી રહી શકતો કે તે વ્યક્તિ એટલે જનક...હું નહિ કહું છતા તું લાંબી આવરદા ભોગવવાનો જ છે છતા કહી દઉં કે તુમ કો હમારી ઉંમર લગ જાયે 


અરે હા, એક  વાત લખવાનું તો ભૂલી જ ગયો.જો અમે બન્ને બાળપણમાં  મળ્યા હોત તો ચોક્કસપણે લંગોટિયા યાર કહેવાત..મને આખી જિંદગી આ વાતનો અફસોસ રહેશે 

વેરી હેપ્પી બર્થ ડે.. 

Tuesday, 29 April 2014

એક મતદારની મનોવ્યથા


ગરીબી,મોંઘવારી,ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી કંટાળેલો ત્રાસેલો માનવી વધુ એક વખત એ આશાએ મતદાન કરવા જઈ રહ્યો છે કે હવે કદાચ દુખના દહાડા પુરા થશે..હા, એને એ વાત જરૂર ખબર છે કે સ્થિતિ વધુ બદલાવાની નથી..આમ છતા તેની અપેક્ષા છે કે અમે નહિ તો અમારી આવનારી પેઢી સારી રીતે જીવે તો પણ ઘણું..આ હાલત દેશના દરેક મતદારની છે.જો આમાનો જ એક મતદાર નેતાઓને સંબોધી એક ખુલ્લો પત્ર લખે તો આ પત્રમાં તેની કેવી મનોવ્યથાનું વર્ણન થાય તેનો નાનકડો પ્રયાસ અમે કર્યો છે..આ પત્રમાં કોઈ પાર્ટી વિશેષ પ્રત્યે આક્રોશ નથી.પરંતુ સમગ્ર વ્યવસ્થા પર તીખો કટાક્ષ છે.. 
વહાલા નેતાઓ..

ફરી ચૂંટણીનીસિઝન આવતા તમારા ચહેરા જોવાનો લહાવો મળ્યો..નહિ તો ચૂંટણી વિત્યા બાદ તમને મળવાનું તો દૂર રહ્યું પરંતુ દૂરથી પણ તમારા દર્શન દુર્લભ બ

ની જાય છે.ચૂંટણી છે એટલે તમે રોજેરોજ ઘરેઘર મળવા આવો છો.બધાને પ્રેમથી બોલાવો છો..નાના હોય કે મોટા દરેકને તમે માનથી બોલાવો છો..પરંતુ એવું ન માનતા કે આવું કરવાથી અમે તમને સારા ગણવા લાગીશું..અમને તમારી નગ્ન વાસ્તવિકતા ખબર છે..મુખ મે રામ ઔર બગલ મે છુરી જેવી તમારી માનસિકતા અમે વર્ષોથી નિહાળતા આવ્યા છીએ..અમે કયારેય એવું નથી માન્યું કે અમે ગુજરાતી,બંગાળી,મરાઠી,તામિલ, કે રાજસ્થાની છીએ.અમારા મનમાં તો પહેલાથી જ આવું અલગપણું હતું જ નહિ..આ તો તમે લોકોએ તમારા અંગત ફાયદા માટે વર્ષોથી અમારા મનમાં અલગ અલગ રાજ્યનો હોવાનું ઠસાવી દીધું છે..અમે કયારેય મંદિર મસ્જિદ કે ગુરુદ્વારામાં ભેદ રાખ્યો નથી..આ તો તમારા જેવા નેતાઓના જ કારનામા છે..તમે લોકો ભલે અલગ અલગ હોવાનો દેખાડો કરતા હોય..પરંતુ વાસ્તવમાં તમે બધા એક હી થાલી કે ચટ્ટેબટ્ટે છો..તમે જ અમને કયારેક રામના નામે તો ક્યારેક રહીમના નામે લડાવ્યા..અમને તો એ પણ ખબર નથી કે અમારો ધર્મ ખતરામાં છે..આ તો તમે ઝેરી ભાષણો આપી આપી કેટલીય પેઢીઓના મનમાં વિષ ઘોળવાનું કામ કર્યુ છે.પરિણામે હવે અમે પણ તમારી વાતોમાં આવી ગયા છીએ..પરંતું શું કરીયે, અમારી પાસે અન્ય વિકલ્પ પણ કયાં છે..ટ્રાફિકનો નિયમ તોડતા પહેલા અમને સો વખત વિચાર આવે છે કે યાંક પકડાઈ જઈશું તો આપણી છાપ કેવી પડશે?અમને નિહાળનારા અમારા વિશે કેવી ધારણા બાંધી લેશે?બીજી તરફ તમારા જેવા લોકો છે કે જે કરોડો રૂપિયાના કૌભાંડો કરતા પણ ખચકાતા નથી..અમે સામાન્ય માણસો છીએ..બે ટંકની રોજીરોટી માટે સવારથી લઈ સાંજ સુધી મહેનત કરવામાં પણ અમે પાછીપાની કરતા નથી.અને અમારી કમાણીના પૈસા તમે વિદેશ પ્રવાસના નામે ઉડાડો છો.મતદાન અમારો હક છે તે વાત બાળપણથી જ માતાપિતાએ અમને શીખવી છે..જેથી અમે દેશના ભાવિ નિર્માણ માટે મત આપી તમને વિધાનસભા કે સંસદમાં મોકલીયે છીએ..પરંતુ જે સમસ્યાના નિકાલ માટે અમે તમને ત્યા મોકલીયે છીએ તેના વિશે તમે ~યારેય ગૃહમાં બે શબ્દો બોલ્યા છો ખરા? તમને એવું લાગે છે કે આ પ્રજા તો ભુલ્લકડ છે..મોંઘવારી,ભ્રષ્ટાચાર અને કૌભાંડોને ભૂલતા અમને વધુ વાર નહિ લાગે..હા,થોડા ઘણા અંશે આ વાત સાચી પણ છે..પરંતુ એનો મતલબ એ નથી કે અમે બધું ભૂલી જઈયે છીએ..પરંતુ કરી કરીને અમે કરી પણ શું લેવાના.માતાપિતા,પત્ની અને બાળકોના ભરણપોષણની જવાબદારી નિભાવતા નિભાવતા જ અમે જિંદગી ખતમ કરી નાખીયે છીએ..જેથી અમને તમારા કાળા કામો પ્રત્યે આંખ આડા કાન કરવા પડે છે...અમે સારી રીતે જાણીયે છીએ કે તમારામાંથી ઘણા હત્યારા છે..ઘણા છેતરપીંડીમાં પાવરધા છે..ઘણા તો એવા છે જે ક્યારેય સ્કૂલે ગયા નથી..છતા આવા જ લોકો કાયદા બનાવે છે..આવા જ લોકો ખરડા પાસ કરે છે.પણ શું થાય ? અમારે કોઈકે તો ચૂંટીને મોકલવાના છે...કોઈ કહે છે અમે વિકાસ કરી દઈશું..કોઈ કહે છે અમે દેશનું વિભાજન નહિ થવા દઈએ.તો કોઈ કહે છે અમે ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશું..પરંતુ હવે અમે તમને અરજ કરીયે છીએ કે  વાયદા કરવાનું બંધ કરો..જે કામ તમારાથી થવાનું જ નથી તેના વાયદા કરી શા માટે અમને ઉલ્લુ બનાવો છો..અમારે તમારી પાસેથી વધારેની અપેક્ષા નથી..બસ રોટી કપડા અને મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ અમને આપી દેશો તો પણ અમે રાજી થઈ જઈશું..પરંતુ તમારામાં કામ કરવાની દાનત જ નથી..અમારા સંતાનો સારું શિક્ષણ પ્રાપ્ત કરવા વલખાં મારે છે અને તમારા સંતાનો વિદેશમાં ભણે છે.બીકોમ,બીએ કે પછી ડોકટરનું ભણવા છતા અમારા સંતાનો નોકરીથી વંચિત છે અને તમારા સંતાનો ટેલેન્ટનો છાંટો નહિ હોવા છતા નેતા બની ગયા છે.પણ અમને તમારા સંતાનો સામેય કોઈ વાંધો નથી..કમ ખાઓ ગમ ખાઓના સૂત્ર સાથે અમે જેવી તેવી રીતે જિંદગી ગુજારી રહ્યા છે..ચૂંટણી છે એટલે તમે અમને દારુ પીવડાવશો.પૈસા આપશો..ગાડીમાં ફરાવશો અને પછી અમારા જ ખિસ્સા કાપશો..અમારી ફરિયાદો તો ઘણી છે.પરંતુ અમને ખબર છે કે સત્તા આગળ શાણપણ દેખાડવું નક્કામું છે..એટલે વધુ હૈયાવરાળ કાઢવાથી કોઈ ફાયદો નથી..પરંતુ છેલ્લે તમને એક અપીલ જરૂર કરીયે છીએ કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ દેશને વિશ્વની મહાસત્તા ન બનાવી શકો તો કોઈ વાંધો નહિ પરંતુ કમસેકમ વિનાશના રસ્તે તો ના જ લઈ જતા,.રોટલી ન આપી શકો તો કઈ નહિ પરંતુ કમસેકમ અમે કમાયેલી રોટલી છીનવવાની ચેષ્ટા ન કરતા..અમને મંદિર મસ્જિદ ન બનાવી આપો તો કઈ નહિ પરંતુ અમારા સંતાનો નિરાંતથી સુઈ શકે તેવું વાતાવરણ બનાવો તો પણ અમારા માટે ઘણું છે. અમને ખબર છે કે તમે તો ચૂંટણી પછી અમને યાદ કરવાના નથી..પરંતુ એક વાત યાદ રાખજો કે અમે તો તમને કયારેય ભૂલતા જ નથી.અત્યારે બસ આટલું જ.. 

લી...દેશનો એક મતદાર 

Sunday, 13 April 2014

રાત કી બાત હૈ...ઔર જિંદગી બાકી તો નહિ...






જમીં ભી ઉસકી...જમીં કી નેમતે ભી ઉસકી.. 
યે સબ ઉસીકા હૈ..ઘર ભી...યે ઘર કે બંદે ભી 
ખુદા સે કહીયે,કભી વો ભી અપને ઘર આયે






આ શબ્દો છે હિંદુસ્તાની ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત ચાર અક્ષરોના બનેલા એ વ્યક્તિના કે જેનું નામ છે ગુલઝાર..આમ તો શાહીથી અક્ષરો લખાતા હોય છે..પરંતુ ગુલઝારની કલમને શાહી નહિ પણ ઈશ્વરીય આશિર્વાદ મળ્યો હોવા જોઈએ..એટલે જ તેમની કલમમાંથી એકથી એક ચઢીયાતા અદ્ભૂત ગીતો, શાયરીઓ અને ગઝલ નીકળ્યા કરે છે..પોતાના નામ મુજબ જ વ્યક્તિત્વ ધરાવતા ગુલઝાર સાહેબ માટે કહી શકાય કે આવા શાયર દાયકાઓમાં એક વખત જન્મ લેતા હોય છે..જ્યારે એવા સમાચાર સાંભળ્યા કે કલમના આ કારીગરને સિનેમા જગતના સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરાયા છે તો સમુદ્રમાં ભરતી આવે તે રીતે દિલમાં ઉઠેલી લાગણીઓને વ્યક્ત કરવા અમારી આંગળીઓ આપોઆપ કોમ્પ્યૂટરની સ્વીચ પર પડવા પડવા લાગી..કદાચ બ્રહ્માંડમાં ક્યાંક પણ દાદા સાહેબ ફાળકેના આત્મા સુધી આ સમાચાર પહોંચ્યા હશે તો તેમના ચહેરા પર પણ જરૂર હળવું સ્મિત આવ્યા વિના રહ્યું નહિ હોય.. 

શું ઉત્તમ માનવી માતાની કૂખેથી જન્મતો હોય છે?શું પૂર્વજન્મના ફળ વ્યક્તિને મહાન બનાવતા હોય છે? કે પછી શિક્ષણ અને પરિવારના સંસ્કારોથી માનવી ઘડાતો હોય છે?આમાની એક પણ વિશેષતા એમાં ન હતી..છતા તેણે એક નવી કેડી કંડારતા શબ્દોના સંસારમાં ઈતિહાસ સર્જયો...નામ છે તેનું સંપૂર્ણસિંહ કાલરા...જેને આપણે ગુલઝારના વહાલા નામથી ઓળખીયે છીએ..ગુલઝારના પરિવારમાં દૂર દૂરથી કોઈનો સંબંધ કલમ સાથે ન હતો..કદાચ એટલે જ સંપૂર્ણશસહ કાલરાએ કાર મિકેનિક તરીકે ગેરેજમાં કામ કરી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો..પણ તેમના ભાગ્યમાં પકડ પાનું નહિ પરંતુ કલમનો સંગાથ હતો.. 

આજથી આઠ દાયકા પહેલા 18 ઓગસ્ટ 1934ના રોજ પંજાબ પ્રાંતના જેલમ જિલ્લામાં આવેલા દિના ગામમાં જન્મ થયો હતો કલમના કારીગર ગુલઝારનો..આ વિસ્તાર આજે પાકિસ્તાનમાં છે. ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા ગુલઝાર મુંબઈમાં ગાડીઓ રિપેર કરવાનું કામ કરતા હતા...પણ તેમનું મન હતું શબ્દોની દુનિયામાં....મનનું કહ્યું માની સંપૂર્ણસિંહ કાલરાએ ભૌતિકતા વાદી દુનિયાને અલવિદા કરી અક્ષરોના નવા આયામ શોધવાનો પ્રયાસ આદર્યો..અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી એ ખરી દુનિયાના કાંટાળા પથ પર આરંભે જ સંપૂર્ણસિંહને મળ્યા બે સશક્ત સાથી..ઋષિકેશ મુખરજી અને બિમલ રૉય નામના બે દંતકથા સમાન આ વ્યક્તિઓના સંગાથે સંપૂર્ણસિંહ કાલરાનું જીવન ધરમૂળથી બદલી નાખ્યું..અને તેમાં વળી સંસ્કૃત્તિને પ્રોત્સાહિત કરતા પ્રાંત બંગાળના સંગીત સમ્રાટ સચિનદેવ બર્મને સંપૂર્ણસિંહને હાથમાં થમાવી દીધી જાદૂઈ કલમ..બર્મન દા નામના ઝવેરીએ 24 કેરેટના આ હીરાને બરાબર પારખ્યો હતો..અને આ કાચો હીરો ચમકી ઉઠયો..મોરા ગોરા અંગ લઈ લે...ફિલ્મી દુનિયાને સંપૂર્ણશસહ કાલરામાંથી ગુલઝારના દર્શન કરાવનારું પહેલું ગીત આ જ હતું...ફિલ્મ હતી બંદિની...અક્ષરોના આકાશમાં ગગનવિહાર માટે થનગનતા ગુલઝારને આ ગીતથી મળી સફળતારૂપી પાંખો..અને તે ઉપડયા જમીનથી ફલકની સફરે..થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી કિનારા..ફિલ્મ તો સુંદર હતી જ પરંતુ ફિલ્મનું એક ગીત ગુલઝાર સાહેબે એવી રીતે લખ્યું હતું કે જાણે પોતાના વ્યક્તિત્વને જ દુનિયા સમક્ષ વ્યક્ત કરતા હોય.. 

નામ ગુમ જાયેગા 
ચહેરા યે બદલ જાયેગા 
મેરી આવાઝ હી પહચાન હૈ 
ગર યાદ રહે.... 

આ ગીતની માફક ગુલઝારના શબ્દો એ જ ખરા અર્થમાં આજે પણ તેમની પહેચાન એટલે કે ઓળખ છે..જીવંત રહેવા માટે આમ તો ઓક્સિજનની જરૂર પડે છે..પરંતુ ગુલઝાર તો જાણે કે શબ્દોને શ્વસન નળીમાં ભરી હદયને ધબકતું રાખે છે..ગુલઝા ર માટે કલમ પોતાનું જીવનનિર્વાહનું સાધન પહેલા પણ બની ન હતી અને આજે પણ બની નથી..તેઓ તો પહેલાથી જ કલમથી કમાલ કરી અન્યો માટે જીવનારા ઈન્સાન છે. ગુલઝારના હાથમાં પકડેલી પેનમાંથી માત્ર ગીતો જ ન નીકળા..પણ તેમાંથી નીકળી અદ્ભૂત ગઝલો.. દિલથી દિલ સુધી પહોંચતા સંવાદો..અને રોજિંદી જિંદગીની ઘટમાળમાં ફસાયેલા માનવીને અંદરથી હચમચાવી દેનારી ફિલ્મો...મેરે અપને,કોશિશ,પરિચય,આંધી, ઘરોંદા,કિનારા,ઘર,ઈજાઝત..યાદી ઘણી લાંબી છે..પાકિસ્તાનમાં જન્મ થયા બાદ આઝાદી પછી ગુલઝારનો પરિવાર ભારત આવી ગયો હતો..પણ ગુલઝારની યાદોમાં પાકિસ્તાનમાં પસાર કરેલા એ દિવસો..એ બાળપણ અને એ ગોઠિયા સાથેની મસ્તી આજેય જીવંત છે...કદાચ એટલે જ તેમના ઘણા ગીતોમાં બાળપણના સમયને ફરી જીવવાની તાલાવેલી આપણને સાંભળવા મળશે.. 

દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફૂરસદ કે રાત દિન 
બૈઠે રહે તસવ્વુર એ જાનાં કિયે હુએ.. 

કોઈ મકસદ વિના માત્ર શબ્દોના સહારે જ જીવનના કાંટાળા પથ પર આગળ જતા ગુલઝારને આગળ જતા રાખી રૂપી જીવનસાથીનો સંગાથ મળ્યો..વ્યવસાયિક સંબંધો અંગત સંબંધમાં પરિણમ્યા..અને બે અલગ અલગ દિશામાં અલગ અલગ મંઝિલોની શોધમાં ચાલતા બે રાહદારીઓ એકમેકમાં લીન થઈ ગયા..લગ્ન કરી બન્નેએ સાથે મળી એક આગોદાના એટલે કે દાણાપાણીની તલાશમાં ચાલી નીકળ્યા..પણ થોડા જ સમયમાં બન્નેને સમજાયું કે ન તો બેયની મંઝીલો એક છે કે ન રસ્તો..તો પછી સાથે સફર કરવાથી શું મળવાનું..આના કરતા તો વિખૂટા પડી એકબીજાના રસ્તે ચાલતી પકડવી વધુ સારુ..પણ આ શક્ય ન હતું..કારણ કે હવે ગુલઝાર અને રાખીના સંબંધોને જોડતી કડી બની ચુકી હતી પુત્રી મેઘના..ભલે કાગળરૂપી સમાજ સ્વીકૃતિથી અલગ ન થઈયે પરંતુ એક છત નીચે તો નહિ જ રહી શકીયે તેવી સમજ આવતા રાખી અને ગુલઝાર અલગ તો થઈ ગયા..પરંતુ ક્યારેય છૂટાછેડા સુધી તેમના સંબંધો ન બગડયા..આજેય બન્ને અલગ અલગ છત નીચે એકબીજાની રાહ જોતા જીવી રહ્યા છે.

તુમ્હે યે જીદ થી કે હમ બુલાતે 
હમે યે ઉમ્મીદ વો પુકારેં 
હૈ નામ હોઠોં પે અબ ભી લેકીન 
આવાઝ મે પડ ગઈ દરારે.. 

જીવનસંગીનીથી અલગ થયા બાદ પણ ગુલઝારની જિંદગીમાં પતઝડની ઋતું કયારેય ન આવી..કારણ કે તેમને સાથ હતો સોનેરી કલમનો..પોતાના શબ્દોરૂપી રસ્તે પરત ફરતા ગુલઝારે એક પછી એક ઉત્તમ કૃત્તિઓ સાઝ અને સંગીતના સાચા ચાહકોને અર્પણ કરી...દિલમાં રાખી અને મનમાં આવનારા ભવિષ્યના સ્વપ્નોને સાથે રાખી ગુલઝારે પોતાની અંગત ફિલોસોફીને કંઈક આવી રીતે વ્યક્ત કરી હતી. 

ફીર વોહી રાત હૈ.. 
ફીર વોહી રાત હૈ..ખ્વાબો કી.. 
રાત ભર ખ્વાબ મે..દેખા કરેંગે તુઝે 

જે વ્યક્તિએ પોતાને સંપૂર્ણસિંહ કાલરામાંથી સાચા અર્થમાં ગુલઝાર બનાવ્યા હતા તે સચીનદેવ બર્મનના પુત્ર પંચમ દા એટલે કે આર.ડી.બર્મન સાથે કારકિર્દીની શરૂઆતમાં થયેલી દોસ્તી ગુલઝારે આખી જિંદગી નિભાવી..આમ તો તેમના સંબંધો પ્રોફેશનલ હતા..પરંતુ તેમની દોસ્તીમાંથી જે ગીતો નીકળ્યા તે બન્નેની મહાનતા પુરવાર કરતા કાફી છે.

એક અકેલી છત્રી મે જબ આધે આધે ભીગ રહે થે 
આધે સુખે..આધે ગીલે...સુખા તો મે લે આઈ થી 
ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હૈ.. 
વો ભીજવાદો મેરા વો સામાન લૌટા દો.. 

ફિલ્મો માટે ખૂબ ગીતો લખનારા ગુલઝાર અંગત રીતે મશહૂર ગઝલકાર મિરઝા ગાલિબના મોટા ચાહક છે..પોતે જેને વાંચી વાંચી લખતા શીખ્યા તેવા મિરઝા ગાલિબને શ્રદ્ધાંજલિ રૂપે ગુલઝારે થોડા વર્ષો પૂર્વે એક સીરિયલ પણ બનાવી હતી.મિરઝા ગાલિબને દેશની નવી પેઢી સમક્ષ જીવંત કરવામાં ગુલઝારને સાથ મળ્યો હતો જગજીતશસહના મખમલી અવાજનો.. 

હર એક બાત પે કહેતે હો કે તુ ક્યાં હૈ 
તુમ્હી કહો યે અંદાજ-એ-ગુફતગૂં ક્યાં હૈ 


પ્રેમ, ગુસ્સો, નફરત, હાસ્ય, ગમ અને ખુશીને પોતાના શબ્દોમાં પરોવી ગીતોનો આખો થાળ ચાહકો સમક્ષ પીરસનારા ગુલઝારનો સૌથી મનપસંદ શબ્દ હોય તો તે છે જિંદગી..અનેક ચઢાવ ઉતાર બાદ પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચ્યા પછી પણ ગુલઝાર પોતાને સંપૂર્ણ માનતા નથી..આમ તો બધા લોકોને પોતાની જિંદગી સામે કોઈને વાંધો હોય છે..પરંતુ ગુલઝારને જિંદગી પાસે અનેક સવાલો છે..

જિંદગી તેરે ગમ ને હમે, રિશ્તે નયે સમજાયે 
મિલે જો હમે,ધૂપ મે મિલે,છાંવ કે ઠંડે સાયેં 

ગુલઝારે એવોર્ડ માટે ક્યારેય કલમ ઉઠાવી નથી..પણ જો તેમને મળેલા પુરસ્કારોની યાદી પર નજર કરીયે તો આ એવોર્ડમાં ગુલઝારની આખી જિંદગીની મહેનતના દર્શન થયા વિના રહેતા નથી..10 કરતા પણ વધારે ગીતો માટે ગુલઝારને અત્યાર સુધી ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે..તો સાથે જ શ્રેષ્ઠ ડાયરેક્ટર, શ્રેષ્ઠ સંવાદ લેખક તરીકે પણ ગુલઝારને અનેક નાના મોટા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ભારત સરકારે પણ તેમની મહેનતને સલામ કરતા લતા મંગેશકરે ગાયેલા અને તેમણે લખેલા રુદાલી ફિલ્મના આ ગીત માટે ગુલઝારને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા.. 

ટૂટી હુઈ ચુડીયો સે જોડું યે કલાઈ મેં 
પીછલી ગલીમેં જાને ક્યાં છોડ આઈ મે 
બીતી હુઈ ગલિયો...સે ફિર સે ગુઝરના.. 

સમય બદલાયો, શબ્દોના સાશજદા બદલાયા..અનેક પઢીઓ બદલાઈ..પણ ન બદલાયા ગુલઝાર..60ના દાયકાથી શરૂ કરેલી ફિલ્મી કારકિર્દીના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયેલા ગુલઝારે 20મી સદીમાં પણ પોતાની કલમની તાકાતનો પરચો અનેક વખત આપ્યો છે..ઐશ્વર્યા રાય આમ તો મિસ વર્લ્ડ રહી ચુકી છે.પણ તેમની આંખોને જો લોકોના આકર્ષણનું કેદ્ર બનાવી હોય તો તે ગુલઝારે બનાવી છે.ફિલ્મ બંટી ઔર બબલીમાં ગુલઝારે લખેલા શબ્દો ઐશ્ચર્યા પર એવા તો બંધ બેસી ગયા કે વર્ષો પછીય જ્યારે પણ ઐશ્વર્યાના રૂપનું વર્ણન શબ્દો દ્વારા કરવું હશે તો તે શબ્દો આ ગીતના જ હશે તેમાં કોઈ બેમત નથી.. 

તેરી બાતો મે કિમામ કી ખુશ્બુ હૈ 
તેરા આના ભી ગરમીયો કી લૂં હૈ 

મિત્ર પંચમદાના ભૌતિક દેહની વિદાય બાદ ગુલઝારને વિશાલ ભારદ્વાજ રૂપે સાચો સખો મળ્યો છે..બન્નેના વિચારો સરખા છે...અભિવ્યક્તિની અદા સરખી છ.ો.અને જિંદગીને પોતાની રીતે જીવવાની ફિલોસોફી પણ લગભગ સમાન છે.એટલે જ વિશાલની ફિલ્મોમાં એ જૂના ગુલઝારના દર્શન થાય છે જે યુવાકાળે હતા..ગુલઝાર આજે વયોવૃદ્ધ થયા છે પણ તેમના શબ્દો હજુય કોઈ કિશોરીની ઉંમરના હોય તેવા છે.ચહેરા પર નજર આવતી કરચલીઓ ભલે ગુલઝારની સાચી ઉંમરની ચાઢી ખાતી હોય પરંતુ તેઓ તો હમેંશા એવું જ કહે છે કે દિલ તો બચ્ચા હૈ જી.. 

ઐસી ઉદાસી બેઠી હૈ દિલ પે 
હંસને સે ગભરા રહે હૈ 
સારી જવાની કતરા કે કાટી 
બીડી મે ટકરા ગયે હૈ.. 

વર્ષોના સંઘર્ષ બાદ સારા નરસા, વહાલા દવલા, સફળતા નિષ્ફળતાના ચઢાણ બાદ આજેય ગુલઝાર ગુમનામ નથી થયા..અને કદાચ આવનારા અનેક દસકાઓ પછી પણ ગુલઝાર નામની આ શખ્સિયત પોતાના શબ્દો થકી જીવંત રહેશે..અને છેલ્લે છેલ્લે 

તુમ જો કહે દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહિ..ચાંદ કો રોક લો 
રાત કી બાત હૈ,ઔર જિંદગી બાકી તો નહિ... 

Wednesday, 19 March 2014

અસ્તિત્વની લડાઈ

આ વખતની લોકસભા ચૂંટણી ઘણા બધા રાજકીય પક્ષો અને ઘણી રાજકીય પાર્ટી માટે તો અતિમહત્ત્વની છે જ.પરંતુ એક સંસ્થા એવી છે જેના માટે 2014ની લોકસભા ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે.એ છે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ..કેમ કે આ ચૂંટણી નક્કી કરશે RSSનું ભવિષ્ય..આગામી લોકસભા ચૂંટણી કદાચ નરેન્દ્ર મોદી હારી પણ જાય છતા ગુજરાતની રાજનીતિમાંથી તેમને કોઈ દૂર નહિ કરી શકે..પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું અસ્તિત્વ જરૂર જોખમાશે.રામ મંદિર આંદોલન બાદ જે સંઘની લોકપ્રિયતા સર્વોચ્ચ કક્ષાએ હતી તે સંઘને વાજપેયી યુગમાં ભારે સંઘર્ષ કરવો પડયો હતો.વાજપેયી ખુલ્લી રીતે સંઘની કોઈ વાત માનતા ન હતા.એટલું જ નહિ વાજપેયી તો સંઘના વરિષ્ઠ કાર્યકર એવા સુદર્શનજીની પણ ઉપેક્ષા કરતા હતા. પરંતુ 2004ની લોકસભામાં NDAની હાર, વાજપેયીનું પથારીવશ થવું,પ્રમોદ મહાજનનું આકસ્મિક મૃત્યુ થવું અને અડવાણી જેવા નેતા દ્વારા મોહંમદ અલી જિણાના વખાણ થવા..આ બધી ઘટનાઓ
ના કારણે રાષ્ટ્રીય સ્વયં સેવકને વધુ એક તક મળી પોતાની શાખ બચાવવાની. અને આ તકને સંઘે ખૂબ જ ચતુરાઈથી ઝડપી પણ લીધી..સંઘ ભલે પોતાને સાંસ્કૃત્તિક સંગઠન માનતું હોય..પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સંઘ અંદરખાને પોતાને રાજકીય શક્તિ તરીકે પ્રસ્થાપિત કરવા ઈચ્છતું હતું અને ઈચ્છી રહ્યું છે.2009માં કે એસ સુદર્શનને RSSના સરસંઘચાલક પદેથી હટાવી મોહન ભાગવતને સંઘના પ્રમુખ બનાવ્યા ત્યારથી સંઘની ફરી એક વખત પોતાના મૂળ મુકામે પહોંચવાની યાત્રાનો આરંભ થયો.પ્રમુખપદે આવતાની સાથે જ મોહન ભાગવતે આયોજનબદ્ધ રીતે ભાજપનું નિયંત્રણ પોતાના હાથોમાં લેવાનું શરૂ કર્યુ.પહેલા તો સંઘે 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘના પાક્કા કાર્યકર નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવી દીધા.અને પછી સુરેશ જોશી એટલે કે ભૈયાજી તેમજ સુરેશ સોનીને ભાજપમાં સામેલ કરી પોતાના મૂળિયા મજબૂત કર્યા..આ બન્ને પોતાના બોદ્ધિક કાર્યો માટે,ઉત્તમોત્તમ આયોજન માટે અને રણનીતિકાર તરીકે જાણીતા છે..પછી સંઘે કામ કર્યુ દિલ્હીની ત્રિપુટી એવી અડવાણી,સુષમા સ્વરાજ તેમજ મુરલી મનોહર જોશીને સાઈડલાઈન કરવાનું..રાજનાથસિંસહને ભાજપના અધ્યક્ષ બનાવી સંઘે દિલ્હીના અન્ય એક નેતા એવા અરુણ જેટલીને પણ હાંસિયામાં ધકેલી દીધા.અને અંતે સંઘે પોતાનો હુકમનો એક્કો એવા નરેન્દ્ર  મોદીને ઉતાર્યા મેદાનમાં.સંઘને લાગે છે કે,હિંદુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક એવા નરેદ્ર મોદી જ એક માત્ર એવા નેતા છે જે સંઘની ડૂબતી નૌકા પાર લગાવી શકે છે..એટલે જ સંઘે આ વખતની ચૂંટણીમાં રામ મંદિર, હિંદુત્વ અને કાશ્મીર જેવા મુદ્દાઓને છંછેડવાની હિંમત કરી નથી.પરંતુ મોદીથી સંઘને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે..કેમ કે હાલ ભલે મોદી, સંઘના દરેક હુકમ પાળે.પરંતુ તેમની પોતાની ઘણી બધી ઈચ્છાઓ છે અને બધી ઈચ્છાઓ નિરંકુશ છે.જે સંઘને ઘણી વખત પસંદ નથી આવી.મોદી પહેલા પણ સંઘને ન માનવાની હિંમત કરી ચુક્યા છે..2002ના ગુજરાત રમખાણો બાદ પોતાની છબી વિકાસપુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા માટે મોદીએ સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદની અવગણના કરી હતી.તેને ન તો સંઘ કે ન તો વિશ્વ હિંદુ પરિષદ ભૂલી શકે તેમ છે.એટલે કદાચ મોદી સંઘની મદદથી વડા પ્રધાન બની પણ જાય તો તેઓ સંઘના ઈશારે કામ કરશે તે માની લેવું ભૂલ ભરેલું છે..એટલે સંઘને અંદરખાને એ ડર પણ સતાવી રહ્યો હશે કે જેવી રીતે વાજપેયીએ સત્તા મળતા જ સંઘની આજ્ઞા માનવાનો ઈનકાર કરી દીધો હતો તેવું જ ક્યાંક મોદી પણ ન કરે.