આ વખતની લોકસભા ચૂંટણી ઘણા બધા રાજકીય પક્ષો અને ઘણી રાજકીય પાર્ટી માટે તો અતિમહત્ત્વની છે જ.પરંતુ એક સંસ્થા એવી છે જેના માટે 2014ની લોકસભા ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે.એ છે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ..કેમ કે આ ચૂંટણી નક્કી કરશે RSSનું ભવિષ્ય..આગામી લોકસભા ચૂંટણી કદાચ નરેન્દ્ર મોદી હારી પણ જાય છતા ગુજરાતની રાજનીતિમાંથી તેમને કોઈ દૂર નહિ કરી શકે..પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું અસ્તિત્વ જરૂર જોખમાશે.રામ મંદિર આંદોલન બાદ જે સંઘની લોકપ્રિયતા સર્વોચ્ચ કક્ષાએ હતી તે સંઘને વાજપેયી યુગમાં ભારે સંઘર્ષ કરવો પડયો હતો.વાજપેયી ખુલ્લી રીતે સંઘની કોઈ વાત માનતા ન હતા.એટલું જ નહિ વાજપેયી તો સંઘના વરિષ્ઠ કાર્યકર એવા સુદર્શનજીની પણ ઉપેક્ષા કરતા હતા. પરંતુ 2004ની લોકસભામાં NDAની હાર, વાજપેયીનું પથારીવશ થવું,પ્રમોદ મહાજનનું આકસ્મિક મૃત્યુ થવું અને અડવાણી જેવા નેતા દ્વારા મોહંમદ અલી જિણાના વખાણ થવા..આ બધી ઘટનાઓ
ના કારણે રાષ્ટ્રીય સ્વયં સેવકને વધુ એક તક મળી પોતાની શાખ બચાવવાની. અને આ તકને સંઘે ખૂબ જ ચતુરાઈથી ઝડપી પણ લીધી..સંઘ ભલે પોતાને સાંસ્કૃત્તિક સંગઠન માનતું હોય..પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સંઘ અંદરખાને પોતાને રાજકીય શક્તિ તરીકે પ્રસ્થાપિત કરવા ઈચ્છતું હતું અને ઈચ્છી રહ્યું છે.2009માં કે એસ સુદર્શનને RSSના સરસંઘચાલક પદેથી હટાવી મોહન ભાગવતને સંઘના પ્રમુખ બનાવ્યા ત્યારથી સંઘની ફરી એક વખત પોતાના મૂળ મુકામે પહોંચવાની યાત્રાનો આરંભ થયો.પ્રમુખપદે આવતાની સાથે જ મોહન ભાગવતે આયોજનબદ્ધ રીતે ભાજપનું નિયંત્રણ પોતાના હાથોમાં લેવાનું શરૂ કર્યુ.પહેલા તો સંઘે 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘના પાક્કા કાર્યકર નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવી દીધા.અને પછી સુરેશ જોશી એટલે કે ભૈયાજી તેમજ સુરેશ સોનીને ભાજપમાં સામેલ કરી પોતાના મૂળિયા મજબૂત કર્યા..આ બન્ને પોતાના બોદ્ધિક કાર્યો માટે,ઉત્તમોત્તમ આયોજન માટે અને રણનીતિકાર તરીકે જાણીતા છે..પછી સંઘે કામ કર્યુ દિલ્હીની ત્રિપુટી એવી અડવાણી,સુષમા સ્વરાજ તેમજ મુરલી મનોહર જોશીને સાઈડલાઈન કરવાનું..રાજનાથસિંસહને ભાજપના અધ્યક્ષ બનાવી સંઘે દિલ્હીના અન્ય એક નેતા એવા અરુણ જેટલીને પણ હાંસિયામાં ધકેલી દીધા.અને અંતે સંઘે પોતાનો હુકમનો એક્કો એવા નરેન્દ્ર મોદીને ઉતાર્યા મેદાનમાં.સંઘને લાગે છે કે,હિંદુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક એવા નરેદ્ર મોદી જ એક માત્ર એવા નેતા છે જે સંઘની ડૂબતી નૌકા પાર લગાવી શકે છે..એટલે જ સંઘે આ વખતની ચૂંટણીમાં રામ મંદિર, હિંદુત્વ અને કાશ્મીર જેવા મુદ્દાઓને છંછેડવાની હિંમત કરી નથી.પરંતુ મોદીથી સંઘને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે..કેમ કે હાલ ભલે મોદી, સંઘના દરેક હુકમ પાળે.પરંતુ તેમની પોતાની ઘણી બધી ઈચ્છાઓ છે અને બધી ઈચ્છાઓ નિરંકુશ છે.જે સંઘને ઘણી વખત પસંદ નથી આવી.મોદી પહેલા પણ સંઘને ન માનવાની હિંમત કરી ચુક્યા છે..2002ના ગુજરાત રમખાણો બાદ પોતાની છબી વિકાસપુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા માટે મોદીએ સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદની અવગણના કરી હતી.તેને ન તો સંઘ કે ન તો વિશ્વ હિંદુ પરિષદ ભૂલી શકે તેમ છે.એટલે કદાચ મોદી સંઘની મદદથી વડા પ્રધાન બની પણ જાય તો તેઓ સંઘના ઈશારે કામ કરશે તે માની લેવું ભૂલ ભરેલું છે..એટલે સંઘને અંદરખાને એ ડર પણ સતાવી રહ્યો હશે કે જેવી રીતે વાજપેયીએ સત્તા મળતા જ સંઘની આજ્ઞા માનવાનો ઈનકાર કરી દીધો હતો તેવું જ ક્યાંક મોદી પણ ન કરે.


No comments:
Post a Comment