Tuesday, 29 April 2014

એક મતદારની મનોવ્યથા


ગરીબી,મોંઘવારી,ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી કંટાળેલો ત્રાસેલો માનવી વધુ એક વખત એ આશાએ મતદાન કરવા જઈ રહ્યો છે કે હવે કદાચ દુખના દહાડા પુરા થશે..હા, એને એ વાત જરૂર ખબર છે કે સ્થિતિ વધુ બદલાવાની નથી..આમ છતા તેની અપેક્ષા છે કે અમે નહિ તો અમારી આવનારી પેઢી સારી રીતે જીવે તો પણ ઘણું..આ હાલત દેશના દરેક મતદારની છે.જો આમાનો જ એક મતદાર નેતાઓને સંબોધી એક ખુલ્લો પત્ર લખે તો આ પત્રમાં તેની કેવી મનોવ્યથાનું વર્ણન થાય તેનો નાનકડો પ્રયાસ અમે કર્યો છે..આ પત્રમાં કોઈ પાર્ટી વિશેષ પ્રત્યે આક્રોશ નથી.પરંતુ સમગ્ર વ્યવસ્થા પર તીખો કટાક્ષ છે.. 
વહાલા નેતાઓ..

ફરી ચૂંટણીનીસિઝન આવતા તમારા ચહેરા જોવાનો લહાવો મળ્યો..નહિ તો ચૂંટણી વિત્યા બાદ તમને મળવાનું તો દૂર રહ્યું પરંતુ દૂરથી પણ તમારા દર્શન દુર્લભ બ

ની જાય છે.ચૂંટણી છે એટલે તમે રોજેરોજ ઘરેઘર મળવા આવો છો.બધાને પ્રેમથી બોલાવો છો..નાના હોય કે મોટા દરેકને તમે માનથી બોલાવો છો..પરંતુ એવું ન માનતા કે આવું કરવાથી અમે તમને સારા ગણવા લાગીશું..અમને તમારી નગ્ન વાસ્તવિકતા ખબર છે..મુખ મે રામ ઔર બગલ મે છુરી જેવી તમારી માનસિકતા અમે વર્ષોથી નિહાળતા આવ્યા છીએ..અમે કયારેય એવું નથી માન્યું કે અમે ગુજરાતી,બંગાળી,મરાઠી,તામિલ, કે રાજસ્થાની છીએ.અમારા મનમાં તો પહેલાથી જ આવું અલગપણું હતું જ નહિ..આ તો તમે લોકોએ તમારા અંગત ફાયદા માટે વર્ષોથી અમારા મનમાં અલગ અલગ રાજ્યનો હોવાનું ઠસાવી દીધું છે..અમે કયારેય મંદિર મસ્જિદ કે ગુરુદ્વારામાં ભેદ રાખ્યો નથી..આ તો તમારા જેવા નેતાઓના જ કારનામા છે..તમે લોકો ભલે અલગ અલગ હોવાનો દેખાડો કરતા હોય..પરંતુ વાસ્તવમાં તમે બધા એક હી થાલી કે ચટ્ટેબટ્ટે છો..તમે જ અમને કયારેક રામના નામે તો ક્યારેક રહીમના નામે લડાવ્યા..અમને તો એ પણ ખબર નથી કે અમારો ધર્મ ખતરામાં છે..આ તો તમે ઝેરી ભાષણો આપી આપી કેટલીય પેઢીઓના મનમાં વિષ ઘોળવાનું કામ કર્યુ છે.પરિણામે હવે અમે પણ તમારી વાતોમાં આવી ગયા છીએ..પરંતું શું કરીયે, અમારી પાસે અન્ય વિકલ્પ પણ કયાં છે..ટ્રાફિકનો નિયમ તોડતા પહેલા અમને સો વખત વિચાર આવે છે કે યાંક પકડાઈ જઈશું તો આપણી છાપ કેવી પડશે?અમને નિહાળનારા અમારા વિશે કેવી ધારણા બાંધી લેશે?બીજી તરફ તમારા જેવા લોકો છે કે જે કરોડો રૂપિયાના કૌભાંડો કરતા પણ ખચકાતા નથી..અમે સામાન્ય માણસો છીએ..બે ટંકની રોજીરોટી માટે સવારથી લઈ સાંજ સુધી મહેનત કરવામાં પણ અમે પાછીપાની કરતા નથી.અને અમારી કમાણીના પૈસા તમે વિદેશ પ્રવાસના નામે ઉડાડો છો.મતદાન અમારો હક છે તે વાત બાળપણથી જ માતાપિતાએ અમને શીખવી છે..જેથી અમે દેશના ભાવિ નિર્માણ માટે મત આપી તમને વિધાનસભા કે સંસદમાં મોકલીયે છીએ..પરંતુ જે સમસ્યાના નિકાલ માટે અમે તમને ત્યા મોકલીયે છીએ તેના વિશે તમે ~યારેય ગૃહમાં બે શબ્દો બોલ્યા છો ખરા? તમને એવું લાગે છે કે આ પ્રજા તો ભુલ્લકડ છે..મોંઘવારી,ભ્રષ્ટાચાર અને કૌભાંડોને ભૂલતા અમને વધુ વાર નહિ લાગે..હા,થોડા ઘણા અંશે આ વાત સાચી પણ છે..પરંતુ એનો મતલબ એ નથી કે અમે બધું ભૂલી જઈયે છીએ..પરંતુ કરી કરીને અમે કરી પણ શું લેવાના.માતાપિતા,પત્ની અને બાળકોના ભરણપોષણની જવાબદારી નિભાવતા નિભાવતા જ અમે જિંદગી ખતમ કરી નાખીયે છીએ..જેથી અમને તમારા કાળા કામો પ્રત્યે આંખ આડા કાન કરવા પડે છે...અમે સારી રીતે જાણીયે છીએ કે તમારામાંથી ઘણા હત્યારા છે..ઘણા છેતરપીંડીમાં પાવરધા છે..ઘણા તો એવા છે જે ક્યારેય સ્કૂલે ગયા નથી..છતા આવા જ લોકો કાયદા બનાવે છે..આવા જ લોકો ખરડા પાસ કરે છે.પણ શું થાય ? અમારે કોઈકે તો ચૂંટીને મોકલવાના છે...કોઈ કહે છે અમે વિકાસ કરી દઈશું..કોઈ કહે છે અમે દેશનું વિભાજન નહિ થવા દઈએ.તો કોઈ કહે છે અમે ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશું..પરંતુ હવે અમે તમને અરજ કરીયે છીએ કે  વાયદા કરવાનું બંધ કરો..જે કામ તમારાથી થવાનું જ નથી તેના વાયદા કરી શા માટે અમને ઉલ્લુ બનાવો છો..અમારે તમારી પાસેથી વધારેની અપેક્ષા નથી..બસ રોટી કપડા અને મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ અમને આપી દેશો તો પણ અમે રાજી થઈ જઈશું..પરંતુ તમારામાં કામ કરવાની દાનત જ નથી..અમારા સંતાનો સારું શિક્ષણ પ્રાપ્ત કરવા વલખાં મારે છે અને તમારા સંતાનો વિદેશમાં ભણે છે.બીકોમ,બીએ કે પછી ડોકટરનું ભણવા છતા અમારા સંતાનો નોકરીથી વંચિત છે અને તમારા સંતાનો ટેલેન્ટનો છાંટો નહિ હોવા છતા નેતા બની ગયા છે.પણ અમને તમારા સંતાનો સામેય કોઈ વાંધો નથી..કમ ખાઓ ગમ ખાઓના સૂત્ર સાથે અમે જેવી તેવી રીતે જિંદગી ગુજારી રહ્યા છે..ચૂંટણી છે એટલે તમે અમને દારુ પીવડાવશો.પૈસા આપશો..ગાડીમાં ફરાવશો અને પછી અમારા જ ખિસ્સા કાપશો..અમારી ફરિયાદો તો ઘણી છે.પરંતુ અમને ખબર છે કે સત્તા આગળ શાણપણ દેખાડવું નક્કામું છે..એટલે વધુ હૈયાવરાળ કાઢવાથી કોઈ ફાયદો નથી..પરંતુ છેલ્લે તમને એક અપીલ જરૂર કરીયે છીએ કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ દેશને વિશ્વની મહાસત્તા ન બનાવી શકો તો કોઈ વાંધો નહિ પરંતુ કમસેકમ વિનાશના રસ્તે તો ના જ લઈ જતા,.રોટલી ન આપી શકો તો કઈ નહિ પરંતુ કમસેકમ અમે કમાયેલી રોટલી છીનવવાની ચેષ્ટા ન કરતા..અમને મંદિર મસ્જિદ ન બનાવી આપો તો કઈ નહિ પરંતુ અમારા સંતાનો નિરાંતથી સુઈ શકે તેવું વાતાવરણ બનાવો તો પણ અમારા માટે ઘણું છે. અમને ખબર છે કે તમે તો ચૂંટણી પછી અમને યાદ કરવાના નથી..પરંતુ એક વાત યાદ રાખજો કે અમે તો તમને કયારેય ભૂલતા જ નથી.અત્યારે બસ આટલું જ.. 

લી...દેશનો એક મતદાર 

Sunday, 13 April 2014

રાત કી બાત હૈ...ઔર જિંદગી બાકી તો નહિ...






જમીં ભી ઉસકી...જમીં કી નેમતે ભી ઉસકી.. 
યે સબ ઉસીકા હૈ..ઘર ભી...યે ઘર કે બંદે ભી 
ખુદા સે કહીયે,કભી વો ભી અપને ઘર આયે






આ શબ્દો છે હિંદુસ્તાની ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત ચાર અક્ષરોના બનેલા એ વ્યક્તિના કે જેનું નામ છે ગુલઝાર..આમ તો શાહીથી અક્ષરો લખાતા હોય છે..પરંતુ ગુલઝારની કલમને શાહી નહિ પણ ઈશ્વરીય આશિર્વાદ મળ્યો હોવા જોઈએ..એટલે જ તેમની કલમમાંથી એકથી એક ચઢીયાતા અદ્ભૂત ગીતો, શાયરીઓ અને ગઝલ નીકળ્યા કરે છે..પોતાના નામ મુજબ જ વ્યક્તિત્વ ધરાવતા ગુલઝાર સાહેબ માટે કહી શકાય કે આવા શાયર દાયકાઓમાં એક વખત જન્મ લેતા હોય છે..જ્યારે એવા સમાચાર સાંભળ્યા કે કલમના આ કારીગરને સિનેમા જગતના સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરાયા છે તો સમુદ્રમાં ભરતી આવે તે રીતે દિલમાં ઉઠેલી લાગણીઓને વ્યક્ત કરવા અમારી આંગળીઓ આપોઆપ કોમ્પ્યૂટરની સ્વીચ પર પડવા પડવા લાગી..કદાચ બ્રહ્માંડમાં ક્યાંક પણ દાદા સાહેબ ફાળકેના આત્મા સુધી આ સમાચાર પહોંચ્યા હશે તો તેમના ચહેરા પર પણ જરૂર હળવું સ્મિત આવ્યા વિના રહ્યું નહિ હોય.. 

શું ઉત્તમ માનવી માતાની કૂખેથી જન્મતો હોય છે?શું પૂર્વજન્મના ફળ વ્યક્તિને મહાન બનાવતા હોય છે? કે પછી શિક્ષણ અને પરિવારના સંસ્કારોથી માનવી ઘડાતો હોય છે?આમાની એક પણ વિશેષતા એમાં ન હતી..છતા તેણે એક નવી કેડી કંડારતા શબ્દોના સંસારમાં ઈતિહાસ સર્જયો...નામ છે તેનું સંપૂર્ણસિંહ કાલરા...જેને આપણે ગુલઝારના વહાલા નામથી ઓળખીયે છીએ..ગુલઝારના પરિવારમાં દૂર દૂરથી કોઈનો સંબંધ કલમ સાથે ન હતો..કદાચ એટલે જ સંપૂર્ણશસહ કાલરાએ કાર મિકેનિક તરીકે ગેરેજમાં કામ કરી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો..પણ તેમના ભાગ્યમાં પકડ પાનું નહિ પરંતુ કલમનો સંગાથ હતો.. 

આજથી આઠ દાયકા પહેલા 18 ઓગસ્ટ 1934ના રોજ પંજાબ પ્રાંતના જેલમ જિલ્લામાં આવેલા દિના ગામમાં જન્મ થયો હતો કલમના કારીગર ગુલઝારનો..આ વિસ્તાર આજે પાકિસ્તાનમાં છે. ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા ગુલઝાર મુંબઈમાં ગાડીઓ રિપેર કરવાનું કામ કરતા હતા...પણ તેમનું મન હતું શબ્દોની દુનિયામાં....મનનું કહ્યું માની સંપૂર્ણસિંહ કાલરાએ ભૌતિકતા વાદી દુનિયાને અલવિદા કરી અક્ષરોના નવા આયામ શોધવાનો પ્રયાસ આદર્યો..અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી એ ખરી દુનિયાના કાંટાળા પથ પર આરંભે જ સંપૂર્ણસિંહને મળ્યા બે સશક્ત સાથી..ઋષિકેશ મુખરજી અને બિમલ રૉય નામના બે દંતકથા સમાન આ વ્યક્તિઓના સંગાથે સંપૂર્ણસિંહ કાલરાનું જીવન ધરમૂળથી બદલી નાખ્યું..અને તેમાં વળી સંસ્કૃત્તિને પ્રોત્સાહિત કરતા પ્રાંત બંગાળના સંગીત સમ્રાટ સચિનદેવ બર્મને સંપૂર્ણસિંહને હાથમાં થમાવી દીધી જાદૂઈ કલમ..બર્મન દા નામના ઝવેરીએ 24 કેરેટના આ હીરાને બરાબર પારખ્યો હતો..અને આ કાચો હીરો ચમકી ઉઠયો..મોરા ગોરા અંગ લઈ લે...ફિલ્મી દુનિયાને સંપૂર્ણશસહ કાલરામાંથી ગુલઝારના દર્શન કરાવનારું પહેલું ગીત આ જ હતું...ફિલ્મ હતી બંદિની...અક્ષરોના આકાશમાં ગગનવિહાર માટે થનગનતા ગુલઝારને આ ગીતથી મળી સફળતારૂપી પાંખો..અને તે ઉપડયા જમીનથી ફલકની સફરે..થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી કિનારા..ફિલ્મ તો સુંદર હતી જ પરંતુ ફિલ્મનું એક ગીત ગુલઝાર સાહેબે એવી રીતે લખ્યું હતું કે જાણે પોતાના વ્યક્તિત્વને જ દુનિયા સમક્ષ વ્યક્ત કરતા હોય.. 

નામ ગુમ જાયેગા 
ચહેરા યે બદલ જાયેગા 
મેરી આવાઝ હી પહચાન હૈ 
ગર યાદ રહે.... 

આ ગીતની માફક ગુલઝારના શબ્દો એ જ ખરા અર્થમાં આજે પણ તેમની પહેચાન એટલે કે ઓળખ છે..જીવંત રહેવા માટે આમ તો ઓક્સિજનની જરૂર પડે છે..પરંતુ ગુલઝાર તો જાણે કે શબ્દોને શ્વસન નળીમાં ભરી હદયને ધબકતું રાખે છે..ગુલઝા ર માટે કલમ પોતાનું જીવનનિર્વાહનું સાધન પહેલા પણ બની ન હતી અને આજે પણ બની નથી..તેઓ તો પહેલાથી જ કલમથી કમાલ કરી અન્યો માટે જીવનારા ઈન્સાન છે. ગુલઝારના હાથમાં પકડેલી પેનમાંથી માત્ર ગીતો જ ન નીકળા..પણ તેમાંથી નીકળી અદ્ભૂત ગઝલો.. દિલથી દિલ સુધી પહોંચતા સંવાદો..અને રોજિંદી જિંદગીની ઘટમાળમાં ફસાયેલા માનવીને અંદરથી હચમચાવી દેનારી ફિલ્મો...મેરે અપને,કોશિશ,પરિચય,આંધી, ઘરોંદા,કિનારા,ઘર,ઈજાઝત..યાદી ઘણી લાંબી છે..પાકિસ્તાનમાં જન્મ થયા બાદ આઝાદી પછી ગુલઝારનો પરિવાર ભારત આવી ગયો હતો..પણ ગુલઝારની યાદોમાં પાકિસ્તાનમાં પસાર કરેલા એ દિવસો..એ બાળપણ અને એ ગોઠિયા સાથેની મસ્તી આજેય જીવંત છે...કદાચ એટલે જ તેમના ઘણા ગીતોમાં બાળપણના સમયને ફરી જીવવાની તાલાવેલી આપણને સાંભળવા મળશે.. 

દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફૂરસદ કે રાત દિન 
બૈઠે રહે તસવ્વુર એ જાનાં કિયે હુએ.. 

કોઈ મકસદ વિના માત્ર શબ્દોના સહારે જ જીવનના કાંટાળા પથ પર આગળ જતા ગુલઝારને આગળ જતા રાખી રૂપી જીવનસાથીનો સંગાથ મળ્યો..વ્યવસાયિક સંબંધો અંગત સંબંધમાં પરિણમ્યા..અને બે અલગ અલગ દિશામાં અલગ અલગ મંઝિલોની શોધમાં ચાલતા બે રાહદારીઓ એકમેકમાં લીન થઈ ગયા..લગ્ન કરી બન્નેએ સાથે મળી એક આગોદાના એટલે કે દાણાપાણીની તલાશમાં ચાલી નીકળ્યા..પણ થોડા જ સમયમાં બન્નેને સમજાયું કે ન તો બેયની મંઝીલો એક છે કે ન રસ્તો..તો પછી સાથે સફર કરવાથી શું મળવાનું..આના કરતા તો વિખૂટા પડી એકબીજાના રસ્તે ચાલતી પકડવી વધુ સારુ..પણ આ શક્ય ન હતું..કારણ કે હવે ગુલઝાર અને રાખીના સંબંધોને જોડતી કડી બની ચુકી હતી પુત્રી મેઘના..ભલે કાગળરૂપી સમાજ સ્વીકૃતિથી અલગ ન થઈયે પરંતુ એક છત નીચે તો નહિ જ રહી શકીયે તેવી સમજ આવતા રાખી અને ગુલઝાર અલગ તો થઈ ગયા..પરંતુ ક્યારેય છૂટાછેડા સુધી તેમના સંબંધો ન બગડયા..આજેય બન્ને અલગ અલગ છત નીચે એકબીજાની રાહ જોતા જીવી રહ્યા છે.

તુમ્હે યે જીદ થી કે હમ બુલાતે 
હમે યે ઉમ્મીદ વો પુકારેં 
હૈ નામ હોઠોં પે અબ ભી લેકીન 
આવાઝ મે પડ ગઈ દરારે.. 

જીવનસંગીનીથી અલગ થયા બાદ પણ ગુલઝારની જિંદગીમાં પતઝડની ઋતું કયારેય ન આવી..કારણ કે તેમને સાથ હતો સોનેરી કલમનો..પોતાના શબ્દોરૂપી રસ્તે પરત ફરતા ગુલઝારે એક પછી એક ઉત્તમ કૃત્તિઓ સાઝ અને સંગીતના સાચા ચાહકોને અર્પણ કરી...દિલમાં રાખી અને મનમાં આવનારા ભવિષ્યના સ્વપ્નોને સાથે રાખી ગુલઝારે પોતાની અંગત ફિલોસોફીને કંઈક આવી રીતે વ્યક્ત કરી હતી. 

ફીર વોહી રાત હૈ.. 
ફીર વોહી રાત હૈ..ખ્વાબો કી.. 
રાત ભર ખ્વાબ મે..દેખા કરેંગે તુઝે 

જે વ્યક્તિએ પોતાને સંપૂર્ણસિંહ કાલરામાંથી સાચા અર્થમાં ગુલઝાર બનાવ્યા હતા તે સચીનદેવ બર્મનના પુત્ર પંચમ દા એટલે કે આર.ડી.બર્મન સાથે કારકિર્દીની શરૂઆતમાં થયેલી દોસ્તી ગુલઝારે આખી જિંદગી નિભાવી..આમ તો તેમના સંબંધો પ્રોફેશનલ હતા..પરંતુ તેમની દોસ્તીમાંથી જે ગીતો નીકળ્યા તે બન્નેની મહાનતા પુરવાર કરતા કાફી છે.

એક અકેલી છત્રી મે જબ આધે આધે ભીગ રહે થે 
આધે સુખે..આધે ગીલે...સુખા તો મે લે આઈ થી 
ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હૈ.. 
વો ભીજવાદો મેરા વો સામાન લૌટા દો.. 

ફિલ્મો માટે ખૂબ ગીતો લખનારા ગુલઝાર અંગત રીતે મશહૂર ગઝલકાર મિરઝા ગાલિબના મોટા ચાહક છે..પોતે જેને વાંચી વાંચી લખતા શીખ્યા તેવા મિરઝા ગાલિબને શ્રદ્ધાંજલિ રૂપે ગુલઝારે થોડા વર્ષો પૂર્વે એક સીરિયલ પણ બનાવી હતી.મિરઝા ગાલિબને દેશની નવી પેઢી સમક્ષ જીવંત કરવામાં ગુલઝારને સાથ મળ્યો હતો જગજીતશસહના મખમલી અવાજનો.. 

હર એક બાત પે કહેતે હો કે તુ ક્યાં હૈ 
તુમ્હી કહો યે અંદાજ-એ-ગુફતગૂં ક્યાં હૈ 


પ્રેમ, ગુસ્સો, નફરત, હાસ્ય, ગમ અને ખુશીને પોતાના શબ્દોમાં પરોવી ગીતોનો આખો થાળ ચાહકો સમક્ષ પીરસનારા ગુલઝારનો સૌથી મનપસંદ શબ્દ હોય તો તે છે જિંદગી..અનેક ચઢાવ ઉતાર બાદ પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચ્યા પછી પણ ગુલઝાર પોતાને સંપૂર્ણ માનતા નથી..આમ તો બધા લોકોને પોતાની જિંદગી સામે કોઈને વાંધો હોય છે..પરંતુ ગુલઝારને જિંદગી પાસે અનેક સવાલો છે..

જિંદગી તેરે ગમ ને હમે, રિશ્તે નયે સમજાયે 
મિલે જો હમે,ધૂપ મે મિલે,છાંવ કે ઠંડે સાયેં 

ગુલઝારે એવોર્ડ માટે ક્યારેય કલમ ઉઠાવી નથી..પણ જો તેમને મળેલા પુરસ્કારોની યાદી પર નજર કરીયે તો આ એવોર્ડમાં ગુલઝારની આખી જિંદગીની મહેનતના દર્શન થયા વિના રહેતા નથી..10 કરતા પણ વધારે ગીતો માટે ગુલઝારને અત્યાર સુધી ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે..તો સાથે જ શ્રેષ્ઠ ડાયરેક્ટર, શ્રેષ્ઠ સંવાદ લેખક તરીકે પણ ગુલઝારને અનેક નાના મોટા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ભારત સરકારે પણ તેમની મહેનતને સલામ કરતા લતા મંગેશકરે ગાયેલા અને તેમણે લખેલા રુદાલી ફિલ્મના આ ગીત માટે ગુલઝારને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા.. 

ટૂટી હુઈ ચુડીયો સે જોડું યે કલાઈ મેં 
પીછલી ગલીમેં જાને ક્યાં છોડ આઈ મે 
બીતી હુઈ ગલિયો...સે ફિર સે ગુઝરના.. 

સમય બદલાયો, શબ્દોના સાશજદા બદલાયા..અનેક પઢીઓ બદલાઈ..પણ ન બદલાયા ગુલઝાર..60ના દાયકાથી શરૂ કરેલી ફિલ્મી કારકિર્દીના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયેલા ગુલઝારે 20મી સદીમાં પણ પોતાની કલમની તાકાતનો પરચો અનેક વખત આપ્યો છે..ઐશ્વર્યા રાય આમ તો મિસ વર્લ્ડ રહી ચુકી છે.પણ તેમની આંખોને જો લોકોના આકર્ષણનું કેદ્ર બનાવી હોય તો તે ગુલઝારે બનાવી છે.ફિલ્મ બંટી ઔર બબલીમાં ગુલઝારે લખેલા શબ્દો ઐશ્ચર્યા પર એવા તો બંધ બેસી ગયા કે વર્ષો પછીય જ્યારે પણ ઐશ્વર્યાના રૂપનું વર્ણન શબ્દો દ્વારા કરવું હશે તો તે શબ્દો આ ગીતના જ હશે તેમાં કોઈ બેમત નથી.. 

તેરી બાતો મે કિમામ કી ખુશ્બુ હૈ 
તેરા આના ભી ગરમીયો કી લૂં હૈ 

મિત્ર પંચમદાના ભૌતિક દેહની વિદાય બાદ ગુલઝારને વિશાલ ભારદ્વાજ રૂપે સાચો સખો મળ્યો છે..બન્નેના વિચારો સરખા છે...અભિવ્યક્તિની અદા સરખી છ.ો.અને જિંદગીને પોતાની રીતે જીવવાની ફિલોસોફી પણ લગભગ સમાન છે.એટલે જ વિશાલની ફિલ્મોમાં એ જૂના ગુલઝારના દર્શન થાય છે જે યુવાકાળે હતા..ગુલઝાર આજે વયોવૃદ્ધ થયા છે પણ તેમના શબ્દો હજુય કોઈ કિશોરીની ઉંમરના હોય તેવા છે.ચહેરા પર નજર આવતી કરચલીઓ ભલે ગુલઝારની સાચી ઉંમરની ચાઢી ખાતી હોય પરંતુ તેઓ તો હમેંશા એવું જ કહે છે કે દિલ તો બચ્ચા હૈ જી.. 

ઐસી ઉદાસી બેઠી હૈ દિલ પે 
હંસને સે ગભરા રહે હૈ 
સારી જવાની કતરા કે કાટી 
બીડી મે ટકરા ગયે હૈ.. 

વર્ષોના સંઘર્ષ બાદ સારા નરસા, વહાલા દવલા, સફળતા નિષ્ફળતાના ચઢાણ બાદ આજેય ગુલઝાર ગુમનામ નથી થયા..અને કદાચ આવનારા અનેક દસકાઓ પછી પણ ગુલઝાર નામની આ શખ્સિયત પોતાના શબ્દો થકી જીવંત રહેશે..અને છેલ્લે છેલ્લે 

તુમ જો કહે દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહિ..ચાંદ કો રોક લો 
રાત કી બાત હૈ,ઔર જિંદગી બાકી તો નહિ... 

Wednesday, 19 March 2014

અસ્તિત્વની લડાઈ

આ વખતની લોકસભા ચૂંટણી ઘણા બધા રાજકીય પક્ષો અને ઘણી રાજકીય પાર્ટી માટે તો અતિમહત્ત્વની છે જ.પરંતુ એક સંસ્થા એવી છે જેના માટે 2014ની લોકસભા ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે.એ છે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ..કેમ કે આ ચૂંટણી નક્કી કરશે RSSનું ભવિષ્ય..આગામી લોકસભા ચૂંટણી કદાચ નરેન્દ્ર મોદી હારી પણ જાય છતા ગુજરાતની રાજનીતિમાંથી તેમને કોઈ દૂર નહિ કરી શકે..પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું અસ્તિત્વ જરૂર જોખમાશે.રામ મંદિર આંદોલન બાદ જે સંઘની લોકપ્રિયતા સર્વોચ્ચ કક્ષાએ હતી તે સંઘને વાજપેયી યુગમાં ભારે સંઘર્ષ કરવો પડયો હતો.વાજપેયી ખુલ્લી રીતે સંઘની કોઈ વાત માનતા ન હતા.એટલું જ નહિ વાજપેયી તો સંઘના વરિષ્ઠ કાર્યકર એવા સુદર્શનજીની પણ ઉપેક્ષા કરતા હતા. પરંતુ 2004ની લોકસભામાં NDAની હાર, વાજપેયીનું પથારીવશ થવું,પ્રમોદ મહાજનનું આકસ્મિક મૃત્યુ થવું અને અડવાણી જેવા નેતા દ્વારા મોહંમદ અલી જિણાના વખાણ થવા..આ બધી ઘટનાઓ
ના કારણે રાષ્ટ્રીય સ્વયં સેવકને વધુ એક તક મળી પોતાની શાખ બચાવવાની. અને આ તકને સંઘે ખૂબ જ ચતુરાઈથી ઝડપી પણ લીધી..સંઘ ભલે પોતાને સાંસ્કૃત્તિક સંગઠન માનતું હોય..પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સંઘ અંદરખાને પોતાને રાજકીય શક્તિ તરીકે પ્રસ્થાપિત કરવા ઈચ્છતું હતું અને ઈચ્છી રહ્યું છે.2009માં કે એસ સુદર્શનને RSSના સરસંઘચાલક પદેથી હટાવી મોહન ભાગવતને સંઘના પ્રમુખ બનાવ્યા ત્યારથી સંઘની ફરી એક વખત પોતાના મૂળ મુકામે પહોંચવાની યાત્રાનો આરંભ થયો.પ્રમુખપદે આવતાની સાથે જ મોહન ભાગવતે આયોજનબદ્ધ રીતે ભાજપનું નિયંત્રણ પોતાના હાથોમાં લેવાનું શરૂ કર્યુ.પહેલા તો સંઘે 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘના પાક્કા કાર્યકર નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવી દીધા.અને પછી સુરેશ જોશી એટલે કે ભૈયાજી તેમજ સુરેશ સોનીને ભાજપમાં સામેલ કરી પોતાના મૂળિયા મજબૂત કર્યા..આ બન્ને પોતાના બોદ્ધિક કાર્યો માટે,ઉત્તમોત્તમ આયોજન માટે અને રણનીતિકાર તરીકે જાણીતા છે..પછી સંઘે કામ કર્યુ દિલ્હીની ત્રિપુટી એવી અડવાણી,સુષમા સ્વરાજ તેમજ મુરલી મનોહર જોશીને સાઈડલાઈન કરવાનું..રાજનાથસિંસહને ભાજપના અધ્યક્ષ બનાવી સંઘે દિલ્હીના અન્ય એક નેતા એવા અરુણ જેટલીને પણ હાંસિયામાં ધકેલી દીધા.અને અંતે સંઘે પોતાનો હુકમનો એક્કો એવા નરેન્દ્ર  મોદીને ઉતાર્યા મેદાનમાં.સંઘને લાગે છે કે,હિંદુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક એવા નરેદ્ર મોદી જ એક માત્ર એવા નેતા છે જે સંઘની ડૂબતી નૌકા પાર લગાવી શકે છે..એટલે જ સંઘે આ વખતની ચૂંટણીમાં રામ મંદિર, હિંદુત્વ અને કાશ્મીર જેવા મુદ્દાઓને છંછેડવાની હિંમત કરી નથી.પરંતુ મોદીથી સંઘને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે..કેમ કે હાલ ભલે મોદી, સંઘના દરેક હુકમ પાળે.પરંતુ તેમની પોતાની ઘણી બધી ઈચ્છાઓ છે અને બધી ઈચ્છાઓ નિરંકુશ છે.જે સંઘને ઘણી વખત પસંદ નથી આવી.મોદી પહેલા પણ સંઘને ન માનવાની હિંમત કરી ચુક્યા છે..2002ના ગુજરાત રમખાણો બાદ પોતાની છબી વિકાસપુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા માટે મોદીએ સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદની અવગણના કરી હતી.તેને ન તો સંઘ કે ન તો વિશ્વ હિંદુ પરિષદ ભૂલી શકે તેમ છે.એટલે કદાચ મોદી સંઘની મદદથી વડા પ્રધાન બની પણ જાય તો તેઓ સંઘના ઈશારે કામ કરશે તે માની લેવું ભૂલ ભરેલું છે..એટલે સંઘને અંદરખાને એ ડર પણ સતાવી રહ્યો હશે કે જેવી રીતે વાજપેયીએ સત્તા મળતા જ સંઘની આજ્ઞા માનવાનો ઈનકાર કરી દીધો હતો તેવું જ ક્યાંક મોદી પણ ન કરે.

Wednesday, 5 March 2014

ONCE UPON A TIME IN 1977



આઝાદી બાદ અત્યાર સુધીની એક માત્ર રોમાંચક ચૂંટણી હતી 1977ની.અને એમાં શંકાને કોઈ સ્થાન પણ નથી.કેમ કે એક બાજુ જ્યારે ભારતનો ચહેરો બની ગયેલા ઈન્દિરા ગાંધી હોય અને સામે મોરારજી દેસાઈ જેવા પીઢ નેતાની આગેવાનીમાં અન્ય પાર્ટીઓ હોય પછી તો કહેવાનું જ શું હોય.પરંતુ એ ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.2014ની લોકસભા ચૂંટણી માટે કહેવાય છે કે આ ચૂંટણી 1977 ચૂંટણી કરતા પણ વધુ રોમાંચક બનશે.અને આમ પણ બન્ને ચૂંટણીમાં ઘણું સામ્યતા પણ છે.આઝાદી બાદની સૌથી દિલધડક, સૌથી રોમાંચક, સૌથી વિકટ અને સૌથી રસ્સાકસી વાળી લોકસભા ચૂંટણીના ડંકા વાગી ગયા છે.ચૂંટણી પંચે 9 તબક્કામાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.ચૂંટણીનું બ્યૂગલ વાગતા જ તમામ પાર્ટીઓના રણબંકાઓ પણ રણમેદાનમાં ઉતરવા થનગવા લાગ્યા છે.એવું કહેવાય છે કે આ વખતની લોકસભા ચૂંટણી એ ભારતીય ઈતિહાસની 1977 બાદની સૌથી અનોખી ચૂંટણી સાબિત થશે.હવે સવાલ એ થાય કે રાજકીય પંડિતો 2014ની ચૂંટણીની સરખામણી 1977ની ચૂંટણી સાથે કેમ કરી રહ્યા છે?એવું તે શું નવું હતું 1977ની ચૂંટણીમાં?આમ જોવા જાવ તો આ બન્ને ચૂંટણીઓમાં ઘણી સામ્યતા છે.તે વખતે ઈન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીના કારણે દેશમાં ઈન્દિરા સામે આક્રોશ હતો..તો આ વખતે પણ અનેક કૌભાંડો, ભ્રષ્ટાચાર અને મોંઘવારીના કારણે વર્તમાન કેદ્ર સરકાર સામે દેશભરમાં વિરોધનો વંટોળ છે.તે વખતે એક બાજુ હતા ઈન્દિરા ગાંધી.તો સામે હતા દેશના અન્ય તમામ નેતાઓ..જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ જે આંદોલન અસ્તિત્ત્વમાં આવ્યું હતું તેના કારણે નાની મોટી સહિત તમામ પાર્ટીઓએ જનતા પાર્ટી નામનું એક મંચ ઉભું કર્યુ હતું..તો આ વખતે પણ હાલની સ્થિતિ મુજબ એક તરફ કોંગ્રેસ છે.તો બીજી તરફ નરેન્દ્ર મોદીથી લઈ સપા, બસપા અને ડાબેરીઓ સહિત અન્ય તમામ પક્ષો છે.1977ની ચૂંટણી એટલા માટે ખાસ હતી કેમ કે, માત્ર એક ભૂલ કેટલું મોટું નુકસાન કરી શકે છે તેનું તાજુ ઉદાહરણ 1977ની લોકસભા ચૂંટણી જ હતી.આ વાતને સમજવા માટે જો 1971 અને 1977ની ચૂંટણીના પરિણામોની સરખામણી કરીયે તો 1971ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 352 સીટ જીતી કેન્દ્રમાં સરકાર બનાવી હતી.જ્યારે મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલા નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટને મળી હતી માત્ર 51 સીટ.પરંતુ ખોટી રીતે ચૂંટણી જીતવાના આરોપ અને ત્યારબાદ સત્તા બચાવવા માટે 1975માં લગાવેલી કટોકટી પછી જ્યારે 1977માં લોકસભા ચૂંટણી યોજાઈ તો ઈન્દિરા ગાંધીના સુપડા સાફ થઈ ગયા.જે કોંગ્રેસે 1971માં 352 સીટ જીતી હતી તે જ કોંગ્રેસ 1977માં 189 સીટ પર આવી ગઈ.તો જયપ્રકાશ નારાયણના આશિર્વાદ અને મોરારજી દેસાઈ જેવા પીઢ નેતાની અધ્યક્ષતામાં બનેલી જનતા પાર્ટીએ અપેક્ષા પ્રમાણે જ અધધધ કહી શકાય તેટલી 345 સીટ જીતી ઈન્દિરા ગાંધીને કરારી હાર આપી હતી.માત્ર એટલું જ નહિ તે વખતે તો ખુદ દેશના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી પણ પોતાની સીટ બચાવી શક્યા ન હતા.1977ની ચૂંટણી અને 2014ની ચૂંટણીને અલગ પાડતી કોઈ બાબત હોય તો તે છે ઈન્દિરા ગાંધી ખુદ.જી હા, જે ઈન્દિરા ગાંધીને દેશવાસીઓએ રાષ્ટ્રીય નાયક બનાવી દીધા હતા તે જ ઈન્દિરા ગાંધી કટોકટી બાદ ડીકટેટર એટલે કે સરમુખત્યાર તરીકે કુખ્યાત થયા હતા.અને ઈન્દિરાની હારનું સૌથી મોટું કારણ  પણ તેમની આ છબી જ હતી.આ વખતે કોંગ્રેસના કોઈ ચહેરા સામે તો મોટા આરોપો નથી પરંતુ આખી પાર્ટી જ ગુનેગારના કઠેડામાં છે.હા, એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ કે 1977માં કંગ્રેસને હરાવી જે જનતા પાર્ટી સત્તામાં આવી હતી તે શાસનના પાંચ વર્ષ પણ પૂર્ણ કરી શકી ન હતી..અને એ પણ સનાતન સત્ય છે કે આઝાદી બાદ જેટલી પણ સરકારો આવી તેમાંથી કોંગ્રેસને બાદ કરતા એક માત્ર વાજપેયીની અધ્યક્ષતામાં બનેલી NDAની સરકારે જ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો..તો આ વખતે શું થશે?1977ની ચૂંટણીનું પુનરાવર્તન થશે? કે પછી કોંગ્રેસ,સત્તા બચાવવામાં સફળ થશે? 

યે યુપી હૈ મેરે યાર



ઉત્તરપ્રદેશ.એક જમાનામાં હિંદુ સંસ્કૃત્તિનું કેદ્ર અને મુસ્લિમ તહેઝીબ માટે જાણીતું ઉત્તર પ્રદેશ આઝાદી બાદ રાજકીય સત્તાપ્રાપ્તિ માટેનો અખાડો બની ગયું છે.જેનું કારણ છે દેશમાં સૌથી વધુ 80 લોકસભા સીટ.ઈતિહાસ સાક્ષી છે કે આઝાદી બાદ દેશના વડા પ્રધાન બનનારા આઠ આઠ નેતાઓ ઉત્તરપ્રદેશનો હાથ પકડીને જ સત્તાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયા હતા.અને કદાચ એટલા માટે જ નરેદ્ર મોદી પણ અંદરખાને એવું ઈચ્છે છે કે તેઓ ઉત્તરપ્રદેશથી લોકસભા ચૂંટણી લડે.લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે સૌના મનમાં એ સવાલ પણ સળવળી રહ્યો છે કે મોદી ક્યાંથી લડશે?કોઈ કહે છે ગુજરાતથી લડશે.તો કોઈનું માનવું છે કે ઉત્તરપ્રદેશથી લડશે?પરંતુ જ્યા સુધી મોદીની વાત છે તો મોદીએ તો નક્કી કરી જ લીધું હશે કે તેમને ક્યાંથી લડવાનું છે.અત્યાર સુધીની મોદીની કાર્યશૈલીને ધ્યાનમાં લઈએ તો મોદી, ઉત્તરપ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળે તેવી શકયતા વધુ છે.તેનું કારણ છે ઉત્તરપ્રદેશનો ઈતિહાસ.જવાહર લાલ નેહરુ,લાલબહાદુર શાસ્ત્રી ,ઈન્દિરા ગાંધી,ચૌધરી ચરણસિંહ,રાજીવ ગાંધી,વિશ્વનાથ પ્રતાપ સિંહ,ચંદ્રશેખર અને અટલબિહારી વાજપેયી.આ છે દેશના 8 વડા પ્રધાનો..મહત્ત્વની વાત એ છે કે,આ આઠ વડા પ્રધાનનો નાતો કોઈને કોઈ રીતે તો ઉત્તરપ્રદેશ સાથે હતો જ.આમાંથી મોટા ભાગના ઉત્તરપ્રદેશનું ફરજંદ હતા એટલે કે ઉત્તરપ્રદેશમાં જન્મયા હતા.અને બાકીનાની રાજકીય કર્મભૂમિ ઉત્તરપ્રદેશ હતી.અત્યાર સુધી દેશે કુલ 13 વડા પ્રધાન જોયા.મનમોહન સિંહ 13માં વડા પ્રધાન છે.તેમાંથી 8 વડા પ્રધાન ઉત્તરપ્રદેશ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હોય એટલે સમજી શકાય છે કે ભારતની રાજનીતિમાં ઉત્તરપ્રદેશનું શું મહત્વ હશે.આ જ કારણે ઉત્તરપ્રદેશ મોદીની પહેલી પસંદગી છે.ઉત્તરપ્રદેશથી મોદીને ચૂંટણી લડવા માટે મજબૂર કરનારું અન્ય એક કારણ છે ત્યાની 80 લોકસભા સીટ.ભારતમાં સૌથી વધુ લોકસભા સીટ ધરાવતું રાજ્ય છે ઉત્તરપ્રદેશ..એટલે જ રાજનીતિના પાઠયપુસ્તકની એક જૂની કહેવત છે કે,દિલ્હી માટે સત્તાનો રસ્તો લખનૌ એટલે કે ઉત્તરપ્રદેશ થઈને જાય છે.મોદીની ઈચ્છા પણ લખનૌ થઈ દિલ્હી પહોંચવાની છે.ઉત્તરપ્રદેશથી મોદીના ચૂંટણી લડવાથી તમામ 80 બેઠકો પર અસર થશે.તો હવે સવાલ એ છે કે ગુજરાતનું શું થશે?મતલબ કે મોદી જો ગુજરાતથી ચૂંટણી ન લડે તો તેની નકારાત્મક અસરો ગુજરાતની તમામ 26 સીટ પર થવાનો ભય છે.આવી સ્થિતિમાં મોદી માટે એક જ વિકલ્પ બચ્યો છે, યુપી અને ગુજરાત એમ બન્ને જગ્યાએથી લોકસભા ચૂંટણી લડવી.એક વાસ્તવિકતા એ પણ છે કે જે આઠ વડા પ્રધાનોના ઉત્તરપ્રદેશ કનેક્શનની વાત આપણે કરી તેની સરખામણીએ મોદીને યુપી સાથે સાત પેઢી સુધી કોઈ સંબંધ નથી.કે ન તો યુપીમાં હાલ ભાજપનું પ્રદર્શન સારુ છે.હા, રામ મંદિર આંદોલન વખતે દેશમાં ભાજપને યુપીએ જ સૌથી વધુ આવકારી હતી..પરંતુ તે જમાનો હવે ચાલ્યો ગયો છે..અને ગુઝરા હુઆ જમાના વાપસ લાવવાની જવાબદારી હવે મોદી પર છે.તો શું કરશે મોદી? 

Tuesday, 4 March 2014

યે દિલ તુમ બિન કહી લગતા નહીં














અત્યાર સુધી એવું કહેવાતું હતું કે સફળતા તેને જઈ વરે જે પરેસેવે નહાય..પરંતુ હવે આ કહેવતમાં થોડું પરિવર્તન આવી ગયું છે.આજના દંભી જમાનામાં આ કહેવત કંઈક એવી છે કે, સફળતા તેને જઈ વરે જે સફળ લોકોને વરે..એટલે કે સફળતા તેને જ મળે જે સફળ લોકોની સાથે હાથ મિલાવે.મુકેશ અંબાણીનું પણ કંઈક એવું જ છે.અત્યાર સુધી દેશમાં કોંગ્રેસનો દબદબો હતો તો મુકેશ અંબાણી કોંગ્રેસ સાથે હતા.અને હવે ભાજપની સરકાર બનવાના એંધાણ છે તો મુકેશ અંબાણી ભગવા રંગે રંગાઈ ગયા છે.


દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીએ કોંગ્રેસને સાયોનારા કહી ભાજપને ફ્રેન્ડ્સ રિકવેસ્ટ મોકલી છે.મતલબ કે છેલ્લા 10 વર્ષથી પંજા સાથે હાથ મિલાવનારા મુકેશ અંબાણી હવે ભાજપ સાથે દોસ્તી કરવાના મૂડમાં છે..એવા સમાચારો સામે આવ્યા છે કે એક સમયે જીગરજાન મિત્રો
 ગણાતા મુકેશ અંબાણી અને કોંગ્રેસના સંબંધો હવે એ હદે વણસી ગયા છે કે કોઈ ફેવીક્વિક પણ બન્નેના સંબંધો સાંધી નહિ શકે..વાસ્તવમાં સંબંધો બગડવાની શરૂઆત તો 2009થી જ થઈ ગઈ હતી..2009ની લોકસભા ચૂંટણી વખતે મુકેશ અંબાણીને એવી આશા હતી કે NDA જીતશે..પરંતુ થયું તેનાથી ઉલટું..મુકેશ અંબાણી અને કોંગ્રેસની દોસ્તીમાં સૌથી મોટું ભંગાણ પડયું 2011માં.કેમ કે 2011થી કોંગ્રેસને એવું લાગવા માંડયું કે મુકેશ અંબાણી હવે મોદીની નજીક સરકવા લાગ્યા છે.અને એ વાત થોડાક અંશે સાચી પણ હતી..કેમ કે 2011થી મુકેશ અંબાણી અને મોદી વચ્ચે ઘણી વખત અનૌપચારિક મુલાકાત થઈ અને વાતચીત થઈ.આ બન્નેની મુલાકાતોની તસવીરો પણ સમાચારપત્રોમાં છપાઈ..ઉપરાંત ઘણા કાર્યક્રમોમાં પણ મોદી સાથે મુકેશ અંબાણી હાજરી આપવા લાગ્યા.આ પાછળ મુકેશ અંબાણીનો છૂપો એજન્ડા હતો..2011થી મુકેશ અંબાણી મોદી તરફ એટલા માટે સરક્યાં કેમ કે તેમને એ સમયથી જ લાગવા માંડયું હતું કે 2014માં NDAની સરકાર બનશે..સમય જતા ભાજપે મોદીને વડા પ્રધાન પ્રદના ઉમેદવાર જાહેર કરતા મુકેશ અંબાણી મોદીની વધુ નજીક આવી ગયા..પીઠ પાછળ મુકેશભાઈના આવા કારનામાથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસને ખોટું લાગવા માંડયું..પરંતુ મુકેશ અંબાણીથી થતા આર્થિક લાભના કારણે કોંગ્રેસ આજ દિન સુધી તેમને અવગણી શકી નથી..અને લોકસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યા સુધી હજુ પણ કોંગ્રેસ મુકેશ અંબાણીને એમ નહી કહી શકે કે હવે આપણા સંબંધો પૂરા થયા..કેમ કે ચૂંટણી વખતે મુકેશ અંબાણી પાસેથી ફંડની જરૂર પણ કોંગ્રેસને પડવાની છે..પરંતુ જાણકારોનું માનીયે તો મોદીની નજીક ગયા છે એટલે મુકેશ આ વખતે સૌથી વધુ ફંડ તો ભાજપને જ આપશે..જેનો સીધો લાભ અત્યારથી જ ભાજપને મળી રહ્યો છે..હા, મુકેશ અંબાણીની કથિત દોસ્તીના કારણે કેજરીવાલ જેવા નેતાઓ મોદીને આડેહાથ પણ લેતા રહ્યા છે..કેજરીવાલ છેલ્લા 15 દિવસથી વારંવાર મોદી અને મુકેશની દોસ્તીના દાવા કરી કરી દેશભરમાં પ્રચાર કરી રહ્યા છે...હવે જો મુકેશ અંબાણી સંપૂર્ણપણે મોદીને સમર્થન આપી દેશે તો કેજરીવાલને વધુ એક મુદ્દો મળી જશે..એટલે ભાજપ સામે આ પણ એક સમસ્યા હશે..જ્યા સુધી મુકેશ અંબાણીની વાત છે તો જેવી રીતે કેજરીવાલ કહી રહ્યા છે કે હાલ મોદીને હેલિકોપ્ટર આપનારા મુકેશભાઈ ચૂંટણી પછી જો મોદી વડા પ્રધાન બને તો ઘણા ઔદ્યોગિક લાભની આશા પણ રાખશે..અને આવું તો વર્ષોથી ચાલતું આવ્યું છે..ઘણા મોટા મોટા ઉદ્યોગપતિઓ ભૂતકાળમાં પણ કોઈકને કોઈ રાજકીય પાર્ટી સાથે સંબંધ રાખતા રહ્યા છે..પરંતુ મુકેશ અંબાણીનું મોદી સમર્થિત રહેવું કોંગ્રેસ માટે જરૂર ચિંતાનો વિષય બન્યું છે..કેમ કે એક તો સાથી પક્ષો કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે અને જે બચ્યા છે તે પણ કયા સુધી સાથ આપે તેની કોઈ ગેરન્ટી નથી.આવી સ્થિતિમાં મુકેશ અંબાણી જેવા ધનકુબેર પણ ભાજપ સાથે વળશે તો પછી થઈ રહ્યું ભારત નિર્માણ.